બોટાદમાં પિતા-પુત્રની હત્યાના કેસમાં બે સગાભાઇને આજીવન કેદની સજા
બોટાદ તાજપર ગેટ વિસ્તારમાં જમીન વિવાદમાં થયેલી બેવડી હત્યાના કેસમાં બોટાદ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે બે સગા ભાઈઓને આજીવન કેદની સજા ફટકારી છે. છ વર્ષ પહેલાં 23 જૂન 2019ના રોજ સાંજે સાડા છ વાગ્યે બનેલી ઘટનામાં જાવેદ ઉર્ફે ગુલો ગુલમહમદભાઈ જાખરાએ સલમાબેન ફિરોજભાઈ જોખીયાના ઘરે જઈને તેમના પિતા ફિરોજભાઈ અને દાદા નુરાભાઇ પર છરીથી હુમલો કર્યો હતો. બચાવવા વચ્ચે પડેલા સલમાબેનને પણ પેટમાં છરી મારી હતી. સલમાબેનની માતા જેતુનબેનને માથામાં ઈંટ મારવામાં આવી હતી. ઘટનામાં ફિરોજભાઈ અને નુરાભાઇનું મૃત્યુ થયું હતું. સલમાબેન ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને પહેલા બોટાદની સોનાવાલા હોસ્પિટલમાં અને પછી ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.
તપાસમાં બહાર આવ્યું કે આરોપી ઇમરાન જાખરાએ તેના ભાઈ જાવેદને મોબાઈલ પર ઉશ્કેર્યો હતો અને એકાદને પતાવી દેવાનું કહ્યું હતું. કેસમાં 25 સાક્ષીઓની તપાસ કરવામાં આવી અને 72 દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા. જિલ્લા સરકારી વકીલ કે.એમ.મકવાણાની દલીલો ધ્યાને લઈને જજ હેમાંગ આર.રાવલે બંને આરોપીઓને IPC કલમ 302 હેઠળ આજીવન કેદ અને રૂૂ.10,000નો દંડ તેમજ કલમ 307 હેઠળ 10 વર્ષની સખત કેદની સજા ફટકારી છે.