અમદાવાદમાં રાજકોટના શેરબ્રોકરના આપઘાત કેસમાં હથિયાર આપનાર બંન્નેની ધરપકડ
અમદાવાદના બોપલમાં આવેલા શીવાલીક રો હાઉસમાં ફાયરિંગની ઘટના બની હતી. જેમાં શેરબ્રોકર કલ્પેશ ટુંડિયાએ ગોળી મારીને આપઘાત કર્યો હતો. મૃતકના ખિસ્સામાંથી સુસાઈડ નોટ મળી આવ્યા હતા. જોકે, ફાયરિંગની ઘટનામાં હથિયાર મળ્યું ન હતું. સમગ્ર મામલે બોપલ પોલીસ તપાસ કરી છે, ત્યારે કેસમાં નવો વળાંક આવ્યો છે. જેમાં હથિયાર લઈને નાસી ગયેલા બે શખ્સોની પોલીસે ધરપકડ છે.
બોપલમાં ફાયરિંગ કેસ મામલે પોલીસે કલ્પેશ ટુંડિયાને મળવા આવેલા સુરેન્દ્રનગરના ઇંગરોડીના રહેવાસી સાહિરખાન નાસિબખાન મલેક અને રાસિદખાન મહમદખાન મલેકની ધરપકડ કરી છે. હથિયાર લઈને આવેલા બંને શખ્સોની પોલીસ પૂછપરછ કરી રહી છે અને હથિયાર રિકવર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જ્યારે હથિયાર મામલે આર્મ એક્ટ હેઠળ નવી ફરિયાદ નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, કલ્પેશ ટુંડિયાએ આપઘાત પહેલા સુરેન્દ્રનગરના બે શખ્સોને હથિયાર બતાવવા માટે અમદાવાદ આવવા કહ્યું હતું. જ્યારે બંને શખ્સો કલ્પેશને મળ્યા બાદ લોડેડ હથિયાર બતાવ્યું, પછી કલ્પેશ તેના રૂૂમમાં જઈને પોતાના માથાના ભાગે ફાયર કરીને આપઘાત કરી લીધો હતો. આ પછી બંને શખ્સો હથિયાર લઈને જતાં રહ્યા હતા.