સુરતના માંગરોળમાં નવરાત્રી સમયે સગીરા પર ગેેંગરેપ કરનાર બે આરોપી દોષી જાહેર
માંગરોળ ગેંગરેપ કેસના બંને આરોપી દોષિત:15 દિવસમાં ચાર્જશીટ થયા બાદ સુરતની સ્પે. પોક્સો કોર્ટે 130 દિવસમાં ચુકાદો આપ્યો, સોમવારે સજાનું એલાન થશે. સુરતના માંગરોળના ચકચારી ગેંગરેપ કેસમાં કોર્ટે બે આરોપીને દોષિત જાહેર કર્યા છે. સાડાચાર મહિના પહેલાં, નવરાત્રિ સમયે કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરા પર થયેલા ગેંગરેપ કેસમાં કોર્ટે ઝડપી ટ્રાયલ ચલાવી માત્ર 130 દિવસમાં જ ચુકાદો આપ્યો છે.
ગેંગરેપ મામલે પોલીસે કુલ ત્રણ આરોપીને ઝડપી પાડ્યા હતા, જેમાં એકનું ટ્રાયલ દરમિયાન બીમારીને કારણે મોત નીપજ્યું હતું, જેથી બે આરોપી સામે ટ્રાયલ ચાલી હતી અને બંનેને આજે કોર્ટ કસૂરવાર ઠેરવ્યા હતા. બંને આરોપીને સોમવારે સજાનું એલાન કરાશે.
નોંધનીય છે કે આ કેસમાં સગીરાની અને તેના મિત્રની જુબાની મહત્ત્વની સાબિત થઈ છે. આ ઉપરાંત પોલીસે સાયન્ટિફિક પુરાવા પણ રજૂ કર્યા હતા, જે પણ કોર્ટે માન્ય રાખ્યા. બનાવ સમયે ચંદ્રપ્રકાશ હોવાના કારણે અને આરોપીએ ફ્લેશ લાઈટ કરતાં સગીરાએ આરોપીનો ચહેરો જોયો હતો.
કોર્ટમાં પણ પીડિતાએ આરોપીને ઓળખી બતાવ્યો હતો. આ ગેંગરેપ કેસમાં કુલ ત્રણ આરોપી હતા, જેમાં મુન્ના કરબલી પાસવાન, રામ સજીવન (રાજુ) અને શિવશંકર ઉર્ફે દયાશંકર ચૌરસિયાને પોલીસે ઝડપી લીધા હતા, જોકે ટ્રાયલ દરમિયાન બીમારી સબબ શિવશંકરનું મોત થતાં કોર્ટેમાં અન્ય બે આરોપી સામે ટ્રાયલ ચાલી હતી. એમાં સાક્ષીઓની જુબાની અને સાંયોગિક પુરાવાઓને ધ્યાનમાં રાખી કોર્ટે બંનેને કસૂરવાર ઠેરવ્યા છે અને સોમવારે 17 તારીખે સજા સંભળાવાશે.