જસદણ પાસેથી 6.82 લાખના રેશનિંગના ચોખા ભરેલો ટ્રક ઝડપાયો
ગ્રામ્ય એસઓજીનો બાતમીના આધારે દરોડો, 16.82 લાખનો મુદ્દામાલ કબજે
જસદણ નજીક આટકોટ બાવડા રોડ પર એસઓજીએ રેશનીંગના ચોખા ભરી બારોબાર વેચવા જતાં ટ્રક ચાલકને ઝડપી લઈ ટ્રકમાંથી રૂા.6.82 લાખના રેશનીંગના ચોખા અને ટ્રક સહિત 16.82 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે. આ મામલે સસ્તા અનાજના દુકાનદારનું નામ પણ ખુલ્યું છે.
મળતી વિગતો મુજબ, રાજકોટ જિલ્લામાં રેશનીંગના અનાજને બારોબાર વેચવાનું રેકેટ ચાલતું હોય જે અંગે કાર્યવાહી કરવા જિલ્લા પોલીસ વડા હિંમકર સિંહની સુચનાને પગલે ગ્રામ્ય એસઓજીના પીઆઈ એફ.એ.પારગી અને તેમની ટીમ વોચમાં હતી ત્યારે આટકોટથી બાવડા તરફ જતાં ટ્રક નં.જીજે.12.બી.ડબલ્યુ 9432ને અ ટકાવી તલાસી લેતાં તેમાંથી રેશનીંગના ચોખાનો જથ્થો મળી આવ્યો હતો. ટ્રક ચાલક મુળ મુજફરપુર જિલ્લાના મોતીપુરના હરમપુર ગામના અવધકિશોર વિશ્ર્વનાથ રાયની ધરપકડ કરી ટ્રકમાંથી અલગ અલગ માપના 300 નંગ બાચકા જેમાં 27305 કિલો રેશનીંગના ચોખા મળી આવ્યા હતાં. 6.72 લાખનો ચોખા તથા ટ્રક મળી 16.82 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
ટ્રક ચાલક અવધ કિશોરની પુછપરછ કરતાં આ જથ્થો બોટાદના હણકુઈ વિસ્તારના વતની અને જસદણ બાયપાસ પાસે રહેતા મયુર નિલેશ મોરીએ ભરી આપ્યો હોવાનું ખુલ્યું હતું. આ જથ્થો કોને સપ્લાયર કરવાનો હતો ? તે મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. એસઓજીના પીઆઈ એફ.એ.પારગી સાથે, પીએસઆઈ કે.એમ.ચાવડા, પી.બી.મિશ્રા, શિવરાજભાઈ ખાચર, વિજયભાઈ વેગડ, પ્રહલાદસિંહ રાઠોડ, મયુરભાઈ વીરડા, વિરરાજભાઈ ધાધલ, વિપુલભાઈ ગોહિલ, વિજયગીરી ગૌસ્વામી અને ચિરાગભાઈ કોઠીવારે કામગીરી કરી હતી.