રાજકોટમાં 24.23 લાખનો દારૂ ભરેલો ટ્રક ઝડપાયો
દારૂ મગાવનાર બૂટલેગર સહિત 4 શખ્સના નામ ખુલ્યા, બાતમીના આધારે જખઈનો દરોડો, 49.29 લાખનો મુદ્દામાલ કબજે
રાજકોટ નજીક ગોંડલ હાઈવે પર આજીડેમ પોલીસ મથક વિસ્તારમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડી રૂા. 24.23 લાખની કિંમતના વિદેશી દારૂ ભરેલા ટ્રક સાથે સુરેન્દ્રનગરના સાયલાના ચાલકની ધરપકડ કરી દારૂ મંગાવનાર તથા સપ્લાયર સહિતના ચાર શખ્સોના નામ ખોલી રૂા. 49.29 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
મળતી વિગતો મુજબ સ્ટેટ મોનીટરીંગ સેલના ડીઆઈજી નિર્લિપ્તરાય અને ડિવાયએસપી કે.ટી કામરિયાની સુચનાથી સ્ટેટ મોનનીટરીંગ સેલના પીઆઈ પી.પી. બ્રહ્મભટ્ટ અને તેમની ટીમે બાતમીના આધારે વોચ ગોઠવી હતી. રાજકોટ નજીકથી દારૂ ભરેલો ટ્રક પાર થવાનો હોય ત્યારે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ગોઠવેલી વોચ દરમિયાન ગોંડલ હાઈવે પર ખોખળદર નદીના પુલ ઉપર શંકાસ્પદ રીતે નિકળેલા જીજે 12 એટી 8732ને અટકાવી તલાશી લેતા પ્લાસ્ટીકની બેગના આડમાં છુપાવેલ 4500 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. રૂા. 24.23 લાખનો દારૂ સાથે ટ્રક ચાલક સુરેન્દ્રનગરના સાયલાના બ્રહ્મપુરી વાંકી ગામના રૈયાભાઈ ભીખાભાઈ ઈડારિયાની ધરપકડ કરી હતી. પુછપરછમાં આ દારૂનો જથ્થો સુરેન્દ્રનગરના ચોરવિયા ગામના બુટલેગર હરેશ માથસુળિયાએ મંગાવ્યો હતો અને જેતપુર ચોકડી પાસે આ દારૂની ડિલેવરી આપવાની હતી આ સાથે ટ્રકના માલીક ઉપલેટાના રમેશ જગમાલભાઈ ઘેઉલનું નામ ખુલ્યું છે. તથાં દારૂનો જથ્થો દમણથી મોકલનાર સપ્લાયરનું નામ પણ ખોલવામાં આવ્યું છે. એસએમસીએ રૂા. 49 લાખનો દારૂ કબ્જે કરી વધુ તપાસ શરૂ કરી છે.
રાજકોટના ખોખળદર પાસે આજીડેમ પોલીસ મથકના વિસ્તારમાં જ્યારે આ ટ્રક પસાર થતો હતો ત્યારે ટ્રકમાં ટેક્નિકલ ખામી આવતા આ ટ્રક રસ્તામાં ઉભો રહી ગયો હતો. એસએમસીની ટીમ વોચમાં હતી ત્યારે રસ્તામાં જ આ ટ્રકને આંતર્યો હતો. અને આ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. બુટલેગરે મંગાવેલો આ દારૂનો જથ્થો જેતપુર પાસે કટીંગ કરવાનો હોવાનું ખુલ્યું છે ત્યારે આ મામલે તપાસમાં બુટલેગર હરેશ ઉપરાંત જેતપુર આસપાસના સ્થાનિક શખ્સોના નામ ખુલે તેવી શક્યતા છે. સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે હાલ દમણના સપ્લાયર સહિતના ચાર શખ્સોને ફરાર જાહેર કર્યા છે.