ગોંડલ પાસેથી 92.60 લાખનો દારૂ-બિયર ભરેલો ટ્રક ઝડપાયો
ડ્રાઈવરની પૂછપરછમાં સપ્લાયર સહિત 4 શખ્સોના નામ ખુલ્યા, ગ્રામ્ય એલસીબીનો દરોડો, 1 કરોડનો મુદ્દામાલ કબજે
રાજકોટ ગોંડલ હાઈવે પર એલસીબીની ટીમે બાતમીના આધારે રૂા.92.60 લાખના દારૂ બીયર ભરેલા ટ્રક સાથે રાજસ્થાનના ચાલકની ધરપકડ કરી હતી. પુછપરછ દરમિયાન આ દારૂનો જથ્થો રાજસ્થાનના સપ્લાયરે જલંધર ખાતેથી ભરી આપ્યો હોય અને આ દારૂનો જથ્થો જૂનાગઢના બુટલેગરે મંગાવ્યો હોવાનું ખુલતાં તમામની શોધખોળ શરૂ કરવામાં આવી છે. એલસીબીએ દારૂ સહિત એક કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ગ્રામ્ય એલસીબીના પીઆઈ વી.વી.ઓડેદરા અને તેમની ટીમને બાતમી મળી હતી કે દારૂ ભરેલો ટ્રક ગોંડલ તરફ આવી રહ્યો છે જેના આધારે વોચ ગોઠવી ટ્રક નં.એચ.આર.55 વી.5520 નંબરના ટ્રકને ગોંડલ નજીક રોકવામાં આવ્યો હતો. તેમાંથી તલાસી લેતાં રૂા.89 લાખની કિંમતની 15816 બોટલ વિદેશી દારૂ તથા 3.58 લાખની કિંમતના 1992 નં બિયરના ટીન મળી આવ્યા હતાં. ટ્રક અને દારૂ-બીયર સહિત રૂા.1 કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. ટ્રકના ચાલક રાજસ્થાનના સાચોલ જિલ્લાના લાછીવાડ ગામના સુરેશ માનારામ ખીલેરીની ધરપકડ કરવામાં આવી હતી.
જેની પુછપરછમાં આ દારૂનો જથ્થો રાજસ્થાનના બાસવાડા જિલ્લાના ડુંગરપુરના વિષ્ણુ ડાંગીએ સપ્લાય કર્યો હતો. અને દારૂ જલંધર ખાતેથી એક શખ્સે ભરી આપ્યો હોય આ દારૂનો જથ્થો જૂનાગઢ તરફ લઈ જવાનો હતો. ટ્રકમાં જીપીએસ ટ્રેકર લગાવવામાં આવ્યું હતું. જૂનાગઢ નજીક પહોંચ્યા બાદ ચાલકને દારૂ કયાં પહોંચાડવાનો હતો તેની માહિતી આપવાની હતી.
જિલ્લા પોલીસ વડા હિમકર સિંહની સુચનાથી એલસીબીના પીઆઈ વી.વી.ઓડેદરા સાથે પીએસઆઈ એચ.સી.ગોહિલ તેમજ એલસીબી શાખાના ઈન્દ્રસિંહ જાડેજા, જયવિરસિંહ રાણા, બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, અમીતસિંહ જાડેજા, અનિલભાઈ ગુજરાતી, ભગીરથસિંહ જાડેજા, મનોજભાઈ બાયલ, રસિકભાઈ જમોડ, ઘનશ્યામસિંહ, મહીપાલસિંહ અને ભાવેશભાઈ મકવાણાએ કામગીરી કરી હતી.
જસદણમાં રૂા.1.61 લાખના દારૂ સાથે એક ઝડપાયો, બુટલેગર ફરાર
એલસીબીની ટીમે બીજો દરોડો જસદણ શહેરનાં ગંગાભુવન સોસાયટીમાં રહેતાં જયદીપ રાજુ ગીડાના ઘરે પાડયો હતો. એલસીબીના આ દરોડાના જયદીપ રાજુ ગીડાના ઘરમાં છુપાવેલ રૂા.1.61 લાખની કિંમતની 120 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. એલસીબીની ટીમે પાડેલા દરોડામાં જયદીપ ગીડાની ધરપકડ કરવામાં આવી હતી. જેની પુછપરછ કરતાં આ દારૂનો જથ્થો જસદણનાં કુખ્યાત બુટલેગર તનવીર ઉર્ફે તનો મહમદ મીઠાણીનો હોવાનું જાણવા મળ્યું હતું. જેની ધરપકડ માટે તજવીજ હાથ ધરાઈ છે.