હળવદ પાસેથી બટેટાની આડમાં છૂપાવેલ 18.25 લાખનો બિયર ભરેલો ટ્રક ઝડપાયો
સ્ટેટ મોનિટરીંગ સેલનો દરોડો, 28.37 લાખના મુદ્દામાલ સાથે ચાલકની ધરપકડ, પાંચની શોધખોળ
હળવદ માળીયા હાઈવે પર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડી બટેટાની આડમાં છુપાવેલ 18.25 લાખની કિંમતના 8298 ટીન બીયર ઝડપી પાડયા હતાં. આ બિયરના જથ્થા સાથે ટ્રકના ચાલક રાજસ્થાનના શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. દારૂ સહિત રૂા.28.37 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ દરોડામાં સપ્લાયર સહિત પાંચ શખ્સોના નામ ખુલ્યા છે. જેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
મળતી વિગતો મુજબ સ્ટેટ મોનીટરીંગ સેલને મળેલી બાતમીના આધારે પીઆઈ પી.પી.બ્રહ્મભટ્ટ અને તેમની ટીમે મોરબી-માળીયા હાઈવે પર હળવદ નજીક દેવડીયા ગામ પાસે વોચ ગોઠવી હતી.
તે દરમિયાન ટ્રક નં.જીજે.16 ઝેડ 1903ને અટકાવતાં ટ્રકમાંથી બટેકાની ગુણીઓ મળી આવી હતી. જેમાં તપાસ કરતાં તેમાંથી બિયરનો જથ્થો મળી આવ્યો હતો. બટેકાની ગુણીની આડમાં છુપાવીને લઈ જવાતો રૂા.18.25 લાખની કિંમતનો 8298 ટીન બિયરનો જથ્થો મળી આવ્યો હતો. આ જથ્થા સાથે ટ્રકના ચાલક રાજસ્થાનના જાલોર જિલ્લાના રાણીવાડાના રાજવીનગરમાં રહેતા મુકેશ પુનામારામ જગનુની ધરપકડ કરવામાં આવી હતી. જેની પુછપરછમાં સપ્લાયર બી.એસ.જાસોલ તેમજ અન્ય બે શખ્સો તેમજ બિયરનો જથ્થો મંગાવનાર બુટલેગર સહિત પાંચના નામ ખુલ્યા છે. સ્ટેટ મોનીટરીંગ સેલે દારૂ સહિત રૂા.28.37 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
સ્ટેટ મોનીટરીંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ તેમની ટીમના પીઆઈ પી.પી.બ્રહ્મભટ્ટ અને તેમની ટીમે દરોડો પાડયો હતો. આ મામલે બિયરનો જથ્થો મંગાવનાર બુટલેગર સહિત અન્ય કોની કોની સંડોવણી છે ? તે મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.