વ્યાજના ચક્રમાં ફસાઇ ગયો છું, વીડિયો બનાવી કારખાનેદારે ઝેર પીધું
અઢી કરોડનું કારખાનું બેંકે સસ્તામાં વેચી નાખ્યું, બીજું વેચવાની તૈયારી છે, સંતાનોનું શું થશે? ચિંતામાં જ ભરેલું પગલું: લોકડાઉન બાદ આર્થિક ભીંસમાં આવી ગયો: સોખડાનો બનાવ, વાઈરલ વીડિયોમાં ગંભીર આક્ષેપો
કુવાડવા રોડ સાત હનુમાન પાછળ સોખડામાં રહેતાં અને ઘર સાથે જ બંગડીના પાઇપ બનાવવાનું કૈલાસ મીલ નામે કારખાનુ ધરાવતાં રમેશભાઇ ભીમજીભાઇ ડાભી (ઉ.વ.50)એ મોબાઇલ ફોનમાં વિડીયો બનાવ્યા બાદ ઝેરી દવા પી લેતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.વ્યાજખોરીમાં ફસાઇ જવાને કારણે પોતે ધંધો કરી શકતા નથી,હવે કેમ જીવવું, છોકરાઓ શું કરશે? એ સમજાતું નથી એટલે આત્મહત્યા કરુ છું. તેવો વિડીયો બનાવી સરપંચ વિરૂધ્ધ પણ આક્ષેપો કર્યા છે.
રમેશભાઇ ડાભી ત્રણ ભાઇ અને ત્રણ બહેનમાં બીજા છે. સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. પરિવારજનોએ જણાવ્યું હતું કે,વ્યાજખોરીમાં ફસાઇ જવાને કારણે તેઓ દવા પી ગયા છે અને હાલત ગંભીર છે.તેમના પુત્રએ એક વિડીયો રજૂ કર્યો હતો.
ઝેર પીધા પુર્વે રમેશભાઇએ મોબાઇલમાં આ વિડીયો બનાવ્યો હતો.રમેશભાઈએ વિડીયોમાં આક્ષેપો સાથે જણાવ્યું હતું કે,જય માતાજી આજે હું આત્મહત્યા કરુ છું,તેનું કારણ મારે તકલીફ બહુ વધી ગઇ છે. વ્યાજના ચક્કર બહુ ચડી ગયા છે,વ્યાજ કે હપ્તા ભરી શકતો નથી,વર્ષથી હું કોઇને વ્યાજ આપ્યુ નથી,મારો ધંધો ચાલુ થતો નથી,હજુ ઉઘરાણી ચાલુ છે.ધંધો ચાલુ કરુ ત્યાં જ માથે આવીને ઉભા રહી જાય છે કે લાવો પૈસા ધંધો ચાલુ થવા જ દેતા નથી. ઉઘરાણી ચાલુ જ રાખે છે, મારુ મગજ કામ કરતું નથી.
બાજુનું કારખાનુ બેંકે વેંચી નાખ્યું છે,સસ્તા ભાવમાં,અઢી કરોડનું કારખાનુ એક કરોડ છ લાખમાં વેંચી નાખ્યુ છે.સરપંચે લઇ લીધુ છે,મારે એમને પણ પૈસા દઇ દેવા છે. મને ચાર છ મહિના વરસ મળી જાત તો વ્યવસ્થા કરી દેત,પણ ટોર્ચર ચાલુ જ રહ્યું છે.એટલે હું આગળ વધી શકતો નથી, મને કંઇ સુઝવા દેતા નથી.
બાજુનું કારખાનુ મંડળી પાસેથી લખાણ કરી પૈસા લીધા હતાં.તેમને એક કરોડ સાઇઠ લાખ દેવાના છે,ફાઇલ છોડાવીને લઇ લીધી છે. આ કારખાનુ પણ સસ્તા ભાવે વેંચાઇ જશે. મારુ બધુ જતું રહેશે. મેન્ટલી ટોર્ચર કરી મારુ કારખાનુ પડાવી લીધુ છે.ભત્રીજાને મોકલતાં તે મગજમારી કરતો હતો.તેમના ભાઇ પણ ભેગા થાય ત્યારે કડક ઉઘરાણી કરતાં હતાં.હું એમને શાંતિથી સમજાવતો હતો.
મારો ધંધો ચાલુ થતો નથી, લોકડાઉન પછી મારો ધંધો જ લોક થઇ ગયો હતો, મુળી હતી તે વ્યાજ અને હપ્તામાં જતી રહી.બીજી રકમ વ્યાજે લઇ હપ્તા ભર્યા.બે અઢી વર્ષથી મેં આવુ જ કર્યુ છે.પણ મારી પાસે કંઇ રહ્યું નથી.માંડ સેટીંગ કરવા જાઉ ત્યાં ઉઘરાણી ચાલુ થઇ જતી હતી.મારી પર મેન્ટલી ટોર્ચર ચાલુ રહેતું હતું. જેથી કરીને હું આત્મહત્યા કરુ છું. મારુ બીજુ કારખાનુ પણ જતું રહેશે, એ વેંચી નાખવામાં આવશે. હવે મારે ક્યાં જવું? મારા છોકરા શું કરશે? એ સમજાતું નથી એટલે હું આત્મહત્યા કરુ છું…જય માતાજી. રમેશભાઇ બેભાન હોઇ તેમનું નિવેદન નોંધી શકાયું નથી. પોલીસે વિડીયોને આધારે તપાસ હાથ ધરી છે.બનાવ અંગે હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂૂ અને ભાવેશભાઇ મકવાણાએ કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી.