રોયલ રત્નમ્ના પાંચ બંગલામાં ચોરી કરનાર ચડ્ડી બનિયાનધારી ટોળકીનું પગેરું મળ્યું
મોરબી બાયપાસ પાસે એડીબી હોટલ પાછળ રત્નમ રોયલ બંગ્લોમાં એક સાથે પાંચ મકાનમાં ચડ્ડી બનિયાનધારી ટોળકી ત્રાટકી હતી અને ચોરી કરી ફરાર થઈ ગઈ હતી. આ ટોળકીને પકડવા માટે રાજકોટ પોલીસ કામે લાગી હોય જેમાં પોલીસને આ ચડ્ડી બનિયાનધારી ટોળકીનું પગેરૂ મળતાં તેને દબોચી લેવા ટીમ કામે લાગી છે. સીસીટીવી ફુટેજમાં આ ટોળકીનાં બેડી ચોકડી સુધીના ફુટેજ મળ્યા છે.
શહેરના મોરબી બાયપાસ પર એડીબી હોટલ પાછળ રોયલ રત્નમ્ બંગ્લોમાં તબીબ સહિતના પાંચ મકાનોમાં ચડ્ડી બનિયાનધારી ટોળકી ત્રાટકી હતી. જેમાં મકાન નં.64માંથી મંદિરના ડોવરમાંથી રૂા.4 હજાર જ્યારે મકાન નં.69માં રહેતા અને વિમાના દવાખાનામાં તબીબ તરીકે નોકરી કરતાં ડોકટર અજય રમેશભાઈ મઢવીના ઘરમાંથી સોનાનો શેટ, દોઢ ગ્રામની વિંટી સહિતની ચીજવસ્તુઓ ચોરી કરી ગયા હતાં.
તેમજ મકાન નં.66માં રૂપાબેન ખાંટના મકાનમાંથી પાંચ હજારની પાવર બેંક અને રોકડ સહિતની મત્તા ચોરી ગયા હતાં. ઉપરાંત સંજયભાઈ પ્રતાપભાઈ જાદવના મકાનમાંથી 7 હજાર રોકડા ચોરી કરી ગયા હતાં. એક સાથે પાંચ બંગલામાં ચોરી કરનાર આ ચડ્ડી બનિયાધારી ટોળકી સીસીટીવીમાં કેદ થઈ હતી. આ ટોળકીનું પગેરૂ મેળવવા માટે રાજકોટ શહેરભરની પોલીસ કામે લાગી હતી. આ ટોળકી મોરબી રોડથી બેડી ચોકડી સુધીના સીસીટીવીના કેમેરામાં કેદ થઈ હોય તપાસ દરમિયાન ટોળકીનું પગેરૂ પોલીસને મળતાં હવે ટૂંક સમયમાં જ આ ચોરીનો ભેદ પણ ઉકેલાય જાય તેવી શકયતા છે. ક્રાઈમ બ્રાંચ અને ગાંધીગ્રામ પોલીસની ટીમ સંયુકત રીતે આ ચડ્ડી બનિયાનધારી ટોળકીને પકડવા તપાસ ચલાવી રહી છે.