બગસરાના સાપર ગામે સંતાનોના પ્રેમ સંબંધનો કરૂણ અંજામ: સગા ભાઈના હાથે બહેનની હત્યા
ભાણેજ પુત્રીને ભગાડી જતાં સાળા-બનેવીના પરિવાર વચ્ચે વેરઝેરનાં બીજ રોપાયા’તા; હુમલામાં વચ્ચે પડેલા મૃતકના સાસુને ઈજા
બગસરા તાલુકાના સાપર ગામે ભાણેજ પુત્રીને ભગાડી જતાં સાળા બનેવીના પરિવાર વચ્ચે વેરઝેરના બીજ રોપાયા હતાં. સંતાનોના પ્રેમ સંબંધનો કરૂણ અંજામ આવ્યો હોય તેમ પુત્રીના પિતાએ સગી બહેન ઉપર છરી વડે હુમલો કરી બહેનની હત્યા કરી હતી. જે હુમલામાં પુત્રવધૂને બચાવવા વચ્ચે પડેલા સાસુને પણ ગંભીર ઈજા પહોંચી હતી. ગંભીર રીતે ઘવાયેલા વૃધ્ધાને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે. હત્યાની ઘટનાથી પરિવારમાં કરૂણકલ્પાંત સર્જાયો છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગતો મુજબ બગસરા તાલુકાના સાપર ગામે રહેતાં ગીતાબેન અરવિંદભાઈ રાઠોડ અને તેમના સાસુ મણીબેન બચુભાઈ રાઠોડ આજે સવારે પોતાના ઘરે હતા ત્યારે જૂનાગઢ રહેતા ગીતાબેનનો ભાઈ નરેશ ચૌહાણ છરી સાથે ધસી આવ્યો હતો અને સગી બહેન ગીતાબેન ઉપર હુમલો કરી છરીના આડેધડ ઘા ઝીંકી દીધા હતાં.
હુમલામાં પુત્રવધુને બચાવવા વચ્ચે પડેલા સાસુ મણીબેન રાઠોડને પણ ઈજા પહોંચી હતી. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા ગીતાબેન રાઠોડને સારવાર મળે તે પૂર્વે જ મોત નિપજતાં બનાવ હત્યામાં પલટાયો હતો. જ્યારે ગંભીર રીતે ઘવાયેલા વૃધ્ધાને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં.
જે અંગે ફરિયાદી અરવિંદભાઈ બચુભાઈ રાઠોડે પોલીસને આપેલ નિવેદન મુજબ તેમનો પુત્ર હાર્દિક આરોપી નરેશભાઈ ચૌહાણ તાલુકો વિસાવદર હાલ રહેવાસી જુનાગઢ ની પુત્રી ખુશી સાથે પ્રેમ સંબંધ હોવાને કારણે બંને ઘરમાં કોઈ પ્રકારની જાણ વગર ઘરેથી ભાગી ગયા હતા જેને કારણે આરોપી નરેશભાઈ ચૌહાણ ને મન દુ:ખ થતા આજરોજ મંગળવાર ના સવારે 10 વાગ્યા આસપાસ ફરિયાદી અરવિંદભાઈ રાઠોડ ને ઘરે આવી પહોંચ્યા હતા જ્યાં બે પરિવારો વચ્ચે માથાકૂટ થઈ હતી જેમાં આરોપી નરેશભાઈએ ફરિયાદી અરવિંદભાઈ ના ઘરની દિવાલ કૂદીને તેમની માતા મણીબેન તથા પત્ની ગીતાબેન પર છરી વડે હુમલો કર્યો હતો.
જેમાં આરોપી નરેશભાઈ ની બહેન ગીતાબેન નું મોત નીપજ્યું હતું તેમજ મણીબેન ને ગંભીર હાલતમાં રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આમ પોતાની દીકરી ભગાડી ગયા ના બંદૂકમાં ભાઈએ પોતાની બહેનને મોતને ઘાટ ઉતારી હતી. આ ઉપરાંત આરોપી દ્વારા ફરિયાદીના ઘરમાં ભાંગ તોડ કરી ₹4,000 નું નુકસાન કર્યા અંગેની ફરિયાદ બગસરા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલ છે તપાસ પીઆઇ ગીડા ચલાવી રહ્યા છે.