For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાણવડમાં વિસ્ફોટક ખાઇ લેતા ગાયનું કરૂણ મૃત્યુ: બે શખ્સો સામે ફરિયાદ

11:52 AM Dec 05, 2025 IST | Bhumika
ભાણવડમાં વિસ્ફોટક ખાઇ લેતા ગાયનું કરૂણ મૃત્યુ  બે શખ્સો સામે ફરિયાદ

ભાણવડ વિસ્તારમાં બે શખ્સો દ્વારા પશુઓનો શિકાર કરવા માટે વિસ્ફોટકો મૂકવામાં આવતા એક ગાય આ વિસ્ફોટક ગળી જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં આ ગાયનું મૃત્યુ નિપજ્યું હતું. જે અંગે ભાણવડ પોલીસે રાણપર અને રાણીવાવ નેસ વિસ્તારના બે શખ્સો સામે ગુનો નોંધ્યો છે. આ અરેરાટીજનક પ્રકરણની જાણવા મળતી વિગત મુજબ ભાણવડ તાલુકાના રાણીવાવ નેસ વિસ્તારમાં રહેતા વિરલભાઈ કાનાભાઈ મોરી નામના યુવાને મંગળવારે તેમની ગાયને આ વિસ્તારમાં ચરવા માટે મૂકી હતી.

Advertisement

આ પછી તેમને જાણવા મળ્યું હતું કે તેમની ગાયને ચરવામાં કોઈ વિસ્ફોટક પદાર્થ મોઢામાં આવી જતા મોઢામાં આ વિસ્ફોટકનો ધડાકો થયો હતો. જેથી ગાયનું એક સાઇડનું મોઢાનું જડબું સંપૂર્ણપણે તૂટી ગયું હતું અને માંસના લોચા બહાર આવી ગયા હતા.

આથી સ્થાનિકો દ્વારા ઇજાગ્રસ્ત બનેલી ગાયને ભાણવડની વૃંદાવન ગૌશાળા ખાતે લઈ જવામાં આવી હતી અહીં ફરજ પર રહેલા ડો. શિવમ દ્વારા તેમની સારવાર કરવામાં આવી હતી. પરંતુ ગાયને ગંભીર ઇજાઓ થઈ હોવાથી તેનું મૃત્યુ નિપજ્યું હતું.

Advertisement

આને અનુલક્ષીને ભાણવડ પોલીસ મથકના એ.એસ.આઈ. કેશુરભાઈ લખમણભાઈ ભાટિયાએ ફરિયાદી બની અને તપાસ કરતા તેમને જાણવા મળ્યું હતું કે રાણપર ગામના કેશુ ભીખા કારાવદરા અને રાણીવાવ નેસ, મોખાણા ગામનો વેજા લખમણ લાડક નામના બે શખ્સો તેમના દ્વારા મૂકવામાં આવતા સ્ફોટક પદાર્થ ખાવાથી ભૂંડ કે ગાય જેવા પશુનું મૃત્યુ નીપજી શકે તેવું જાણતા હોવા છતાં પણ તેઓએ રાણીવાવ નેસથી કાંદા વિસ્તારમાં જતા રસ્તે ભૂંડનો શિકાર કરવા માટે વિસ્ફોટકો મૂક્યા હતા. જેથી વિરલભાઈ મોરીની ગાય આ પદાર્થ ખાતા જ વિસ્ફોટ થવાના કારણે ઇજાગ્રસ્ત હાલતમાં મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર થયું છે.

આ સમગ્ર પ્રકરણ સંદર્ભે ભાણવડ પોલીસે કેશુરભાઈ ભાટિયાની ફરિયાદ પરથી આરોપી કેશુ ભીખા કારાવદરા અને વેજા લખમણ લાડક સામે ભારતીય ન્યાય સંહિતાની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ એ.એસ.આઈ. દેવાભાઈ ઓડેદરા દ્વારા હાથ ધરવામાં આવી છે.આ સમગ્ર બનાવે ગૌપ્રેમીઓમાં ભારે રોષ સાથે અરેરાટી પ્રસરાવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement