સામાન્ય અકસ્માતમાં ટ્રાફિક પોલીસની મારામારી
કાળા કાચવાળી પોલીસ લખેલી કારમાંથી પોલીસમેને ધોકા સાથે ઉતરી મચાવી ધમાલ, બાઇક સવાર યુવાનોને ફટકાર્યા, દારૂ ઢીંચ્યો હોવાનો આક્ષેપ
શહેરમાં ગુનેગારોની માફક પોલીસની દાદાગીરી વધી રહી હોય તેમ છેલ્લા કેટલાક દિવસોથી રાત્રીના સમયે દુકાનો બંધ કરવા પોલીસ દ્વારા રિતસરનો આંતક મચાવવામાં આવી રહ્યો છે. ત્યારે નાનામવો રોડ પર સામાન્ય અકસ્માતમાં ટ્રાફિક પોલીસના જવાને બાઇક સવાર બે યુવાનો પર ધોકાવડે હુમલો કરી મારમારતા ચકચાર મચી જવા પામી છે. કાળા કાચ વાડી પોલીસ લેખલી કાર બાઇક સાથે અથડાતા બાઇક ચાલક યુવાને કાર સરખી રીતે ચલાવવાનું કહેતા ઉસ્કેરાયેલા પોલીસ જવાને ધોકા સાથે કારમાંથી ઉતરી ધમાલ મચાવી હતી. મારામારી કરનાર પોલીસ જવાન દારૂના નશામાં હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. મારામારીનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ 150 ફૂટ રીંગ રોડ પર શીતલ પાર્ક નજીક ભારતીનગર શેરી નં.4મા રહેતો દિપક સંજયભાઇ ધામેચા (ઉ.વ.20) નામનો યુવાન તેના અન્ય સાત જેટલા મિત્રો સાથે બાઇક લઇ સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે રામનવમી હોવાથી રાત્રીના 10:30 વાગ્યાના અરસામાં દર્શન કરવા જઇ રહ્યા હતા. ત્યારે નાનામવા રોડ પર શાસ્ત્રીનગરના ગેઇટ પાસે પહોંચતા પાછળથી પુરપાટ ઝડપે આવતી કારના ચાલકે બાઇક સાથે અથડાવતા યુવકોએ બાઇક ઉભુ રાખી કાર ચાલકને કાર સરખી ચલાવવાનું કહેતા તે ગુસ્સે થઇ ધોકા સાથે કારમાંથી નીચે ઉતરી યુવકો ઉપર ધોકા વડે હુમલો કર્યો હતો. જાહેરમાં મારામારી સર્જતા લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. કાર ચાલક પોલીસ કર્મી હોવાનું અને કાળા કાચ વાડી પોલીસ લખેલી કાર હોવાનું જાણવા મળ્યુ હતુ. વધુમા યુવકોએ કાર ચાલક ટ્રાફિક પોલીસમાં હેડકોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો દિવ્યરાજસિંહ જાડેજા હોવાનું અને બનાવ સમયે પોલીસ કર્મી દારૂના નશામાં હોવાનું આક્ષેપ કર્યો હતો.
આ ઘટનામાં દિપક ધામેચા અને તેના મિત્ર લખન જીતેન્દ્રભાઇ ઘેડીયાને ઇજા થતા બંન્ને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સામાન્ય રીતે જાહેરમાં હુમલો કરનાર આરોપીઓનુ પોલીસ દ્વારા સરઘસ કાઢવામાં આવે છે. ત્યારે આ બનાવમાં પણ ભોગ બનાર દ્વારા હુમલો કરનાર પોલીસ કર્મી વિરૂદ્ધ કડક પગલા લઇ તેનુ સરઘસ કાઢવામાં આવે તેવી માંગ કરી હતી. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલે દોડી જઇ વધુ તપાસ હાથ ધરી છે.