ઘીમાં ભેળસેળના ગુનામાં વેપારીને એક માસની સજા, 13 હજારનો દંડ
ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ તળે રાજકોટ મ્યુનીસીપલ કોર્પોરેશન દ્વારા થયેલ ફરીયાદમાં ટ્રાયલ કોર્ટનો સજાનો હુકમ રાજકોટ સેશન્સ અદાલતે માન્ય રાખ્યો છે.
રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશનના આરોગ્ય શાખાના ફુડ સેફટી ઓફીસર આર. આર. પરમાર દ્વારા રાજકોટને બજરંગવાડી, સહજ કોમ્પ્લેક્ષ ઉપર આવેલ અંશ ફુટવેરમાં ખાદ્યચીજોના ચેકિંગ દરમિયાન ખાદ્ય પદાર્થ શંકાસ્પદ લાગતાં ફુડ સેફટી ઓફીસર દ્વારા દુકાનમાં પડેલ ગાયનું ઘી લુઝ તથા તેની સાથોસાથ દીવેલનો નમુનો લેવામાં આવેલ હતો જે પૃથકકરણમાં નિષ્ફળ નિવડતાં ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ- 2006 ની અલગ અલગ કલમો તળે લેવાયેલ નમુનો ખાદ્ય પદાર્થ માટે અનસેફ હોય તે મતલબની ફરીયાદ કરેલ હતી અને જે કોર્ટ દ્વારા સાબિત માની અદાલતે અંશ ફુટવેરના માલીક શૈલેષ જેન્તીલાલ મહેતાને કલમ-59(1) હેઠળ 1 માસની સજા તથા કલમ-63 નીચે 1 માસની તેમજ રૂૂા. 10,000/ તથા કલમ 57(1) હેઠળ રકમ રૂૂા. 3,000/ અને જો દંડ ન ભરે તો વધુ 1(એક) માસની સજાનો દંડ ફટકારેલ હતી જેના અનુસંધાને શૈલેષભાઈ જેન્તીલાલ મહેતા દ્વારા રાજકોટની સેશન્સ અદાલતમાં અપીલ કરવામાં આવેલ હતી જે અપીલ ચાલી જતાં સેશન્સ અદાલતમાં ટ્રાયલ કોર્ટ દ્વારા આપવામાં આવેલ સજાના હુકમને માન્ય રાખેલ હતો.
અને આરોપીને થયેલ સજાના હુકમને કાયમ રાખી આરોપીને જેલ હવાલે કરવામાં આવેલ હતો.
કોર્ટ દ્વારા તારણ કાઢેલ કે અંશ ફુટવેરના માલીક / ફુડ બિઝનેસ ઓપરેટર શૈલેષ જેન્તીલાલ મહેતાએ પોતાના ખાદ્યચીજના વેપાર દરમિયાન ખોટી રીતે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરેલ હોય અને ઘીની અંદર કાયદાથી પ્રતિબંધિત કલર તેમજ એડલ્ટ્રન્ટ તરીકે દીવેલ વાપરેલ હોય અને જેના હિસાબે ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ 2006 ની અલગ અલગ કલમોનો ભંગ કરેલ હોય જે અંગે મુળ ફરીયાદી દ્વારા અલગ અલગ હાઈકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના ચુકાદાઓ રજુ કરવામાં આવેલ હતા જે ધ્યાને રાખી આરોપીને તકસીરવાન ઠરાવી સજા ફરમાવેલ હતી જેની સામેની અપીલ પણ સેશન્સ અદાલતમાં ચાલી જતાં સેશન્સ અદાલતે પણ આરોપીને ટ્રાયલ કોર્ટ દ્વારા કરવામાં આવેલ સજાને કાયમ રાખી આરોપીને સજા ભોગવવા માટે જેલ હવાલે કરવામાં આવેલ હતો. આ કામે રાજકોટ મ્યુનીસીપલ કોર્પોરેશન રાજકોટના જાણીતા એડવોકેટ શ્રી જીજ્ઞેશ એન. શાહ રોકાયેલા હતા.