મોરબીમાં ચાઈનીઝ દોરીનું વેચાણ કરતો વેપારી ઝડપાયો, 2.65 લાખનો મુદ્દામાલ જપ્ત
મોરબી સહિત સમગ્ર ગુજરાતની અંદર ચાઈનીઝ દોરીનો ઉપયોગ મકરસંક્રાંતિ દરમિયાન કરવામાં આવે તેના કારણે અબોલ પક્ષી, વાહનચાલકો સહિતના લોકોને શારીરિક નુકસાન થતું હોય અને ઘણી વખત મૃત્યુના બનાવો પણ બને એવી ઘટનાઓ અગાઉ બની ચૂકી છે. જેથી સરકાર દ્વારા ચાઈનીઝ ફીરકીના વેચાણ અને સંગ્રહ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે છે અને તેને લાગતું જાહેરનામું મોરબી જિલ્લામાં કલેક્ટર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું.
તેમ છતાં પણ છેલ્લા દિવસોમાં મોરબી શહેર અને જિલ્લાના જુદા જુદા વિસ્તારમાં સ્થાનિક પોલીસ દ્વારા પતંગ દોરાના વેપારીઓને ત્યાં ચેક કરવામાં આવતા ત્યાંથી ચાઈનીઝ ફીરકીઓ મળી આવી હતી. જેથી કરીને જે તે સમયે છૂટક વેપાર કરતાં વેપારીઓને પકડીને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.દરમિયાન મોરબી શહેર અને જિલ્લામાં પતંગ દોરાના હોલસેલ વેપારીનું સાવસર પ્લોટ શેરી નં-3 માં લાડિલા હનુમાન મંદિર પાસે ગોડાઉન આવેલ છે ત્યાં ચાઈનીઝ ફીરકીનો જથ્થો હોવા અંગેની એ ડિવિઝન પોલીસને હકીકત મળી હતી.
જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે ગોડાઉનમાંથી 408 નંગ ચાઈનીઝ ફિરકીનો જથ્થો મળી આવ્યો હતો. જેથી કરીને પોલીસે 2,65,200ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને દુકાનદાર વિપુલ હસમુખભાઈ હીરાણી (ઉ.42) રહે. સાવસર પ્લોટ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને આ કાર્યવાહી મોરબી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ એ.વી.પાતાળિયા અને તેની ટીમ દ્વારા કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબી એ અને બી ડિવિઝન પોલીસની ટીમે જુદીજુદી બે જગ્યાએ રેડ કરી હતી. તે આરોપીને માલ આપનાર તરીકે વિપુલ હિરાણીનું નામ સામે આવ્યું હતું. જેથી તેના ગોડાઉનમાં ચેક કરવામાં આવતા ત્યાંથી ચાઈનીઝ ફીરકીનો મોટો જથ્થો મળી આવ્યો છે.