મવડીમાંથી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની ધંધાર્થીને છરી બતાવી થાર ગાડીની લૂંટ
પોલીસે ગણતરીની કલાકમાં ગુનાનો ભેદ ઉકેલ્યો: બે કુખ્યાત શખ્સોને ઝડપી લીધા
મવડી વિસ્તારમાં બે શખ્સોએ છરીની અણીએ થાર કારની લૂંટ ચલાવી હતી.માલવીયાનગર પોલીસે ગુનો નોંધી બંને કુખ્યાત શખ્સોને ગણતરીના કલાકોમાં ઝડપી લઈ થાર કાર કબજે કરી તપાસ હાથ ધરી છે.
લક્ષ્મીનગર શેરી નં.4/66ના ખૂણે રહેતાં અને ટ્રાવેલ્સનો ધંધો કરતા ધ્રુવેનસિંહ કૃપાલસિંહ જેઠવા (ઉ.વ.22)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે,મિત્ર ધવલ મુકેશભાઈ સરધારાને છેલ્લા પાંચેક માસથી ઓળખે છે.એટલું જ નહીં તેની કાર ભાડે લઈ કસ્ટમરને આપે છે.ગઈ તા.24ના રોજ તેની થાર કાર તેના નાનાભાઈ મિતરાજસિંહ કે જેણે ઓપરેશન કરાવ્યું હતું, તેને હોસ્પિટલે લઈ જવા માટે લઈ આવ્યો હતો.બપોરે નાનાભાઈ મિતરાજસિંહ સાથે તે થાર કાર લઈ મિત્ર ધવલની મવડી ચોકડીએ શિવાલય કોમ્પલેક્ષમાં આવેલી ઓફિસે ગયો હતો.જયાંથી બપોરે 12.50 વાગ્યાની આસપાસ ઘરે જઈ રહ્યો હતો ત્યારે મવડી મેઈન રોડ ઉપર સફેદ કલરની આઈ-20 કાર ઉદયનગર તરફથી ધસી આવી હતી.જેના ચાલકે તેની થાર કાર આડે પોતાની કાર રાખી હતી.
તેણે જોયું તો તે કારમાં બે શખ્સો બેઠા હતા.જેણે આ છરી દેખાડી તેને ઈશારો કરી કારમાંથી નીચે ઉતરવાનું કહ્યું હતું.પરંતુ તે નીચે ઉતર્યો ન હતો. જેથી બંને શખ્સો તેની કાર પાસે આવ્યા હતા અને ખુલ્લા કાચમાંથી ચાવી કાઢી લીધી હતી.એટલું જ નહીં એક શખ્સે ગાળો ભાંડી કહ્યું કે આ થાર ધવલની છે, તે અમને ખબર છે,અમારે લઈ જવાની છે,તમે બંને નીચે ઉતરો.
પરિણામે તે કારમાંથી નીચે ઉતરી ગયો હતો. જયારે તેનો ભાઈ કારમાં બેઠો રહ્યો હતો. બંને શખ્સોએ તેને કહ્યું કે તું અમારી કારમાં બેસી જા, અમે ધવલ સાથે વાત કરાવી આપીએ છીએ.જેથી તે તેમની કારમાં બેસી જતાં તેને અલ્કા સોસાયટી શેરી નં.5માં લઈ ગયા હતા. જયાં છરી બતાવી કહ્યું કે કારમાંથી ઉતરી જા અને તારા ભાઈને પણ ઉતારી દે, નહીંતર છરીના ઘા ઝીંકી તને અને તારા ભાઈને પતાવી દઈશું.ત્યાર પછી તેને ધક્કો મારી, કારમાંથી ઉતારી દીધો હતો.આ પછી તેણે પણ તેના ભાઈને થારમાંથી ઉતારી લીધા બાદ બંને શખ્સો તે લઈ ભાગી ગયા હતા. તત્કાળ તેણે કાર માલીક ધવલને કોલ કરી પોલીસને પણ જાણ કર્યા બાદ ફરિયાદ નોંધાવી હતી.માલવીયાનગર પોલીસે લૂંટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.
તપાસના અંતે લૂંટમાં સંડોવાયેલા બંને આરોપીઓને માલવીયા પોલીસના પીઆઇ જે.આર.દેસાઈની રાહબરીમાં પીએસઆઇ ડી.એસ. ગજેરા, એએસઆઈ હિરેનભાઈ પરમાર, અજયભાઈ વિકમાં,ભાવેશભાઈ ગઢવી, મનીષ સોઢિયા અને જયદીપસિંહ ભટ્ટી સહિતના સ્ટાફે પ્રિતેશ ઉર્ફે દિકુ અલ્પેશ ગોટેચા (ઉ.વ.23, રહે. મારૂૂતિનંદનનગર શેરી નં.2, મવડી) અને મિત ઉર્ફે ભાજી રમેશભાઈ ખગ્રામ (ઉ.વ. 28, રહે. શ્રીનાથજી સોસાયટી શેરી નં.2, મવડી)ને ઝડપી લીધા હતા.
પ્રીતેશ ગોટેચા વિરુદ્ધ મહિનામાં ત્રીજો ગુનો નોંધાયો, મિત ઉર્ફે ભાજીનો પણ લાંબો ગુનાઇત ઇતિહાસ
કુખ્યાત આરોપી પ્રિતેશ ઉર્ફે દિકુ લાંબો ગુનાઇત ઇતિહાસ ધરાવે છે. તેના વિરુધ્ધ ખુનની કોશિષ અને હુમલા સહિતના 13 ગુના નોંધાયેલા છે.પ્રીતેશ સામે આ મહિનામાં ત્રીજો ગુનો નોંધાયો છે અગાઉ બે ફરિયાદ તેમના પત્નીએ નોંધાવી હતી.2023ની સાલમાં બે વખત પાસામાં પણ પુરાયો હતો.આ જ રીતે મિત ઉર્ફે ભાજી વિરુધ્ધ પણ લુંટ અને હુમલા સહિત સાત ગુના નોંધાયેલા છે.