વ્યાજખોરને 4 લાખના 16 લાખ ચૂકવ્યા છતાં ત્રાસ, મહિલાએ પોલીસ મથકમાં ફિનાઇલ પીધું
રાજકોટ શહેરમા વ્યાજખોરી સામે લોક દરબાર યોજાયા બાદ વ્યાજખોરો સામે કાર્યવાહી કરી જેલ ભેગા કરવામા આવ્યા હતા . આમ છતા વ્યાજખોરો સુધરવાનુ નામ ન લેતા હોય તેમ વધુ એક વખત વ્યાજખોરોનાં ત્રાસનો બનાવ સામે આવ્યો છે. પોપટપરામા રહેતા વેપારીનાં ઘરમા ઘુસી તેને બહાર કાઢી માર માર્યો હતો અને પૈસાની પઠાણી ઉઘરાણી કરી હતી . આ બનાવથી કંટાળી ગયેલા તેમનાં પત્નીએ પ્રનગર પોલીસ મથકે પહોંચી ફીનાઇલ પી લઇ આપઘાતનો પ્રયાસ કરતા પોલીસે બંને વ્યાજખોર સામે ગુનો નોંધ્યો હતો.
વધુ વિગતો મુજબ પોપટપરા શેરી નં ર મા રહેતા નીકીતાબેન રાજેશભાઇ તલવાર (શીખ) (ઉ.વ. ર7) અને પોતાની ફરીયાદમા સદામ બદવાણી અને જાવેદભાઇનુ નામ આપતા બંને સામે મની લેન્ડ એકટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે . આ ઘટનામા હેડ કોન્સ્ટેબલ ગરચર તપાસ ચલાવી રહયા છે. નીકીતાબેને ફરીયાદમા જણાવ્યુ હતુ કે તેઓ પતિ સાથે સીઝનલ ચીજ વસ્તુઓનો વેપાર કરી ધંધો કરે છે. ગઇ તા. 7 નાં રોજ સાંજનાં સમયે પતિ સહીતનો પરીવાર ઘરે હતા ત્યારે સદામ અને તેની સાથેનો માણસ ઘરે આવ્યા હતા અને છરી બતાવી પતિ રાજેશભાઇને બહાર કાઢી ઢોર માર માર્યો હતો જેથી તેમને ઇજાઓ થઇ હતી ત્યારબાદ પતિ મોડી રાત્રે ઘરે આવ્યા ત્યારે તેઓ ગભરાયેલા દેખાતા હતા . તેમણે સદામ પાસેથી દોઢક વર્ષ પહેલા 3 લાખ રૂપીયા 10 ટકા લેખે વ્યાજે લીધા હતા. તેની સામે તેમણે 8 લાખ રૂપીયા વ્યાજ સહીત ચુકવી દીધા હતા .
ત્યારબાદ રાજેશભાઇએ જાવેદ પાસેથી 8 મહીના પહેલા 1 લાખ રૂપીયો વ્યાજે લીધો હતો તેની સામે રાજેશભાઇએ તેમને વ્યાજ સહીત રૂ. આઠેક લાખ ચુકવી દીધા હતા. આમ છતા જાવેદભાઇ રાજેશભાઇનાં પરીવારને વધુ વ્યાજની માગણી સાથે હેરાન કરે છે. તેમજ પૈસા ભરવા દબાણ કરતા હોય અને વારંવાર મારી નાખવાની ધમકી આપતા હોય અને તા 7 નાં રોજ રાજેશભાઇને બેફામ માર મારતા તેઓ ઘર છોડીને જતા રહયા હતા અને આરોપીઓ ફરીયાદ ન કરવા દબાણ કરતા હતા. જેથી નીકીતાબેને કંટાળી જઇ પોપટપરામા આવેલી મેડીકલ સ્ટોરમાથી ફીનાઇલની બોટલ લઇ બે ઘુટડા પી પોલીસ મથકમા જ આપઘાતનો પ્રયાસ કર્યો હતો આ મામલે બંને વ્યાજખોર સામે ગુનો નોંધી કાયદાનુ ભાન કરાવવા તજવીજ શરૂ કરી છે.