ભાઇની હત્યાનો બદલો લેવા બંધુએ પિતરાઇનું અપહરણ કરી છરી-ધોકાથી માર્યો
લોધિકાના મેટોડાની ઘટના; પુત્રીની છેડતી કરતા ભાણેજની મામાએ હત્યા કર્યા બાદ વેરના બીજ રોપાયા’તા; હુમલામાં ઘવાયેલો યુવાન ગંભીર
રાજકોટમા રહેતા પરીવારની પુત્રીની છેડતી કરતા ભાણેજની મામાએ કરપીણ હત્યા કરી હતી. ભાઇની હત્યાનો બદલો લેવા હત્યારા મામાનાં પુત્રનુ મેટોડા ખાતેથી સગા બે ભાઇઓએ કારમા અપહરણ કરી છરી - ધોકા વડે હુમલો કર્યો હતો. હુમલામા ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામા આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમા રૈયાધાર વિસ્તારમા આવેલા ઇન્દીરાનગરમા રહેતા શિવરાજ ગોવીંદભાઇ મુછડીયા નામનો 18 વર્ષનો યુવાન રાત્રીનાં આઠેક વાગ્યાનાં અરસામા મેટોડામા હતો ત્યારે તેનાં ફઇનાં દિકરા ખુશાલ હમીર અને તેના ભાઇ રાહુલ અમીરે ઝઘડો કરી કારમા અપહરણ કરી રાજકોટનાં 1પ0 ફુટ રીંગ રોડ પર આવેલા પરશુરામ મંદિર પાસે લઇ જઇ છરી - ધોકા વડે માર માર્યો હતો. હુમલામા ગંભીર રીતે ઘવાયેલા યુવકને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલમા ખસેડવામા આવ્યો હતો.
શિવરાજ મુછડીયા 3 બહેનોનો એકનો એક ભાઇ છે અને મેટોડા કારખાનામા કામ કરે છે. શિવરાજ મુછડીયાની બહેનની હુમલાખોર શખ્સોનો ભાઇ જયદીપ દશ મહીના પહેલા છેડતી કરતો હતો જેનો ખાર રાખી શિવરાજ મુછડીયાનાં પિતા ગોવિંદભાઇ મુછડીયાએ પુત્રીની છેડતી કરતા ભાણેજ જયદિપનુ પડધરીનાં ઢોકરીયા ગામે મર્ડર કર્યુ હતુ. જેનો ખાર રાખી ભાઇની હત્યાનો બદલો લેવા બંને સગા ભાઇઓએ મામાનાં દિકરાનુ અપહરણ કર્યુ હતુ. ત્યારે શિવરાજે તેની મોટી મા નાથી બહેનને ફોન કરી જાણ કરેલ કે મને માર મારેલ છે બાદમા ફરી ફોન કરતા નાથીબેને ફોન નહી ઉપાડતા રોડ પર આવીને શિવરાજ મુછડીયાએ અકસ્માત સર્જાયો હોવાનુ તુથ રચ્યુ હતુ. આ બનાવ અંગે મેટોડા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.