રાજકોટમાં સર્વિસ સ્ટેશનમાં કામ કરતાં ત્રણ યુવકને લાગ્યો વીજશોક: એકનું મોત
રાજકોટમાં દુધસાગર રોડ પર આવેલ સર્વિસ સ્ટેશનમાં કામ કરતાં ત્રણ યુવકને અકસ્માતે વીજશોક લાગતાં ત્રણેય બેભાન હાલતમાં ઢળી પડયા હતાં. ત્રણેય યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં એક યુવકનું મોત નિપજતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. જ્યારે બે યુવકની તબિયત નાજૂક જણાતા વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
આ બનાવમાંથી જાણવા મળતી વિગત મુજબ, રાજકોટમાં દુધસાગર રોડ પર આવેલ હાઉસીંગ બોર્ડના ખૂણે સર્વિસ સ્ટેશનમાં કામ કરતાં ભાવેશ રમેશભાઈ લુદરીયા (ઉ.30) જિલ્લાની સુમારભાઈ રાઉમા (ઉ.26) અને રવિરાજ ગોરધનભાઈ સરવૈયા (ઉ.25)ને વીજશોક લાગતાં બેશુધ્ધ હાલતમાં ઢળી પડયા હતાં. ત્રણેય યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં ગંભીર રીતે દાઝી ગયેલા ભાવેશભાઈ લુદરીયાનું મોત નિપજતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.
આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરતાં થોરાળા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડયો હતો. જ્યારે ગંભીર રીતે દાઝી ગયેલા બન્ને યુવકને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.સર્વિસ સ્ટેશનમાં કામ કરતાં ત્રણેય યુવકને કઈ રીતે વીજશોક લાગ્યો ? તે જાણવા આજી ડેમ પોલીસ મથકના પીઆઈ એન.જી. વાઘેલા સહિતના સ્ટાફે વધુ તપાસ હાથ ધરી છે.