કલ્યાણપુરના બોક્સાઈટ ચોરી કેસના આરોપીઓને ત્રણ વર્ષની કેદ અને દંડ
કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામના દેવા જેઠા મકવાણા અને ભાટિયા ગામના કચરા દેવશી ગોજીયા નામના શખ્સો દ્વારા તેમના ટ્રકમાં કોઈપણ પ્રકારની સરકારની મંજૂરી કે રોયલ્ટી વગર રીતે 14.465 મેટ્રિક ટન બોક્સાઈટનો જથ્થો લઈ જતી વખતે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખાણ ખનીજ વિભાગના ભૂસ્તર અધિકારી એ.બી. પ્રેમલાણી દ્વારા ઝડપાઈ જતા આ પ્રકરણમાં રૂૂપિયા 40,000 જેટલી કિંમત ના બોક્સાઈટ ની ચોરી થવા સબંધ આઈ.પી.સી. કલમ 379 તથા માઈન્સ એન્ડ મિનરલ્સ રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ એક્ટ વિગેરે કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
આ પ્રકરણમાં જે-તે સમયે તપાસનીસ અધિકારી એમ.પી. પંડ્યા તથા એલ.પી. રાણા દ્વારા તપાસના અંતે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યું હતું. આ કેસ ખંભાળિયાના એડિશનલ સેશન્સ એન્ડ સ્પેશિયલ કોર્ટના જજ એસ.જી. મનસુરી સમક્ષ ચાલી જતા આ પ્રકરણમાં ભૂસ્તર અધિકારીની જુબાની તેમજ ખનીજ ચોરી અંગે અન્ય સાંકળતા પુરાવાઓ સાથે જિલ્લા સરકારી વકીલ એલ.આર. ચાવડા દ્વારા કરવામાં આવેલી દલીલોને ગ્રાહ્ય રાખી, નામદાર અદાલતે આરોપી દેવા જેઠા મકવાણા અને કચરા દેવશી ગોજીયાને તકસીરવાન ઠેરવી ત્રણ વર્ષની સખત કેદ તથા પ્રત્યેક આરોપીને રૂૂ. દસ-દસ હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે.