નાગેશ્ર્વર વિસ્તારમાં પિતા સાથે સુતેલી ત્રણ વર્ષની બાળકીનું અપહરણ, માતા પર શંકા
રાજકોટમાં રેલ્વેસ્ટેશન પરથી થોડા દિવસો પહેલા સવા વર્ષની બાળકીનું અપહરણ કરાયું હતું. જે ગુનાનો ભેદ રેલવે પોલીસે ઉકેલી મહિલા સહિત ત્રણને ઝડપી લીધા હતા ત્યારે જામનગર રોડ પાર નાગેશ્વર વિસ્તાર નજીક પિતા સાથે સુતેલી 3 વર્ષની બાળકીનું અપહરણ કરાયાનો બનાવ પોલીસે ચોપડે નોંધાયો છે.ગાંધીગ્રામ પોલીસે બાળકીના પિતાની ફરિયાદ પરથી ગુનો દાખલ કરી તાપસ શરુ કરી છે.
બાળકીના પિતાએ પોલીસને જણાવ્યું કે, તે કડિયાકામની મજૂરી કરે છે.સંતાનમાં એક 3 વર્ષની પુત્રી અને એક 7 વર્ષનો પુત્ર છે. પત્ની વીશેક દિવસ પહેલા તેને અને સંતાનોને મૂકી ચાલી ગઈ હતી.જેથી તે બાળકોને નજીકમાં રહેતા સાસુના ઘરે જમવા માટે લઇ જતા હતા અને રાત્રે બાળકોને પરત ઘરે સુવા માટે લઇ આવતા હતા.
ગઈકાલે રાત્રે તે બંને બાળકો સાથે સુઈ ગયા હતા. તેની બાજુમાં પુત્રી અને ત્યારબાદ પુત્ર એવી રીતે સુતા હતા. મોડી રાત્રે તેની ઊંઘ ઉડતા બાજુમાં સુતેલી ત્રણ વર્ષની પુત્રી જોવા મળી ન હતી.આથી ત્યાં સુતેલા પુત્રને જગાડી પોતાની માતા સહિત અન્ય પરિવારજનો સાથે શોધખોળ શરુ કરી હતી.
ત્યારબાદ સાસુના ઘરે જઈ તાપસ કરતા ત્યાંથી પણ નહિ મળી આવતા અંતે ફરિયાદ નોંધાવતા ગાંધીગ્રામ પોલીસન પી.આઈ મેઘાણી સહિતના સ્ટાફે અજાણ્યા આરોપી સામે ગુનો દાખલ કરી તાપસ શરુ કરી હતી.બાળકીને થોડા દિવસ પહેલા ચાલી ગયેલી તેની માતા લઈ ગઈ હોવાનું પોલીસ નું અનુમાન છે.જોકે બાળકી મળ્યા બાદ સમગ્ર હકીકત વિગત બહાર આવશે.