રિસામણે બેઠેલી પત્નીને તેડવા આવેલા જમાઇ સહિત ત્રણ મહિલાએ સસરાને માર મારી સાસુને બચકાં ભર્યા
શહેરમાં આજીડેમ ચોકડી પાસે આવેલા અનમોલ પાર્કમાં રિસામણે બેઠેલી પત્નીને તેડવા આવેલા જમાઈ સહિત ત્રણ મહિલાએ સસરા ઉપર હુમલો કરી માર મારી સાસુને બચકા ભરી લીધા હતા. પ્રૌઢને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ આજીડેમ ચોકડી પાસે આવેલા અનમોલ પાર્કમાં રહેતા રમેશભાઈ નાનજીભાઈ જીંજરીયા નામના 49 વર્ષના પ્રૌઢ સાંજના સાડા સાતેક વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે હતા ત્યારે જમાઈ પંકજ સહિતના અજાણ્યા શખ્સોએ ઢીકા પાટુનો માર માર્યો હતો.
મારામારીમાં ઘવાયેલા રમેશભાઈ જીંજરીયાને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરતા આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.પ્રાથમિક પૂછપરછમાં રમેશભાઈ જીંજરીયાની પુત્રી શિવાનીબેનના ત્રણ વર્ષ પહેલા પંકજ સાથે લગ્ન કર્યા હતા.
પંકજ પત્ની શિવાનીને અવારનવાર ત્રાસ આપતો હતો અને સાત મહિના પહેલા માર મારીને ઘરમાંથી કાઢી મૂકી હતી ત્યારથી શિવાનીબેન અનમોલ પાર્કમાં રહેતા પિતા રમેશભાઈ જીંજરીયાના ઘરે રિસામણે બેઠી છે. ગઈકાલે જમાઈ પંકજ તેની માતા અને તેની માસીજી સહિત ત્રણ મહિલા શિવાનીબેનને તેડવા આવ્યા હતા અને બળજબરીથી શિવાનીબેનને સાથે લઈ જઈ રહ્યા હતા. ત્યારે રમેશભાઈ જીંજરીયા અને તેમની પત્ની વચ્ચે પડતા રમેશભાઈ જીંજરીયાને માર માર્યો હતો જ્યારે સાસુ મંજુબેનને હાથમાં બચકા ભરી લીધા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.