રામનાથપરા પોલીસ લાઇનમાં PIએ ASIને માર માર્યો
શહેરમા કાયદાનાં રક્ષકોએ જ કાયદો હાથમા લીધો હોય તેમ રામનાથપરા પોલીસ લાઇન દસ માળીયા કવાર્ટર પાસે પીઆઇએ ASI માર માર્યો હોવાનાં આક્ષેપ સાથે પોલીસ કર્મી સિવીલ હોસ્પીટલમા દાખલ થયા હતા. ઘટના અંગે પોલીસ કર્મીઓએ મૌન સેવી લેતા ચકચાર મચી જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ શહેરની મધ્યમા રેસકોર્સ પાસે આવેલા પોલીસ હેડ કવાર્ટર દસ માળીયા કવાર્ટરમા રહેતા પોલીસ ASI શૈલેન્દ્રભાઇ વિજેન્દ્રભાઇ પાંડે (ઉ.વ. પર) સાંજનાં પાચેક વાગ્યાનાં અરસામા રામનાથપરા પોલીસ લાઇન દસ માળીયા કવાર્ટર પાસે હતા.
ત્યારે પીઆઇ મકવાણાએ ઢીકા પાટુનો માર મારી ગળાનાં ભાગે ઇજા પહોંચાડી હોવાનાં આક્ષેપ સાથે શૈલેન્દ્રભાઇ પાંડે સારવાર માટે સિવીલ હોસ્પીટલમા દાખલ થયા હતા. આ અંગે સિવીલ હોસ્પીટલ પોલીસ ચોકીનાં સ્ટાફે એ ડીવીઝન પોલીસને જાણ કરતા એ ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક સિવીલ હોસ્પીટલ ચોક ખાતે દોડી ગયો હતો.
રામનાથપરા પોલીસ લાઇનમા પીઆઇ અને ASI વચ્ચે થયેલી મારામારી બાબતે એ ડીવીઝન પોલીસ મથકનાં સ્ટાફે મૌન સેવી લીધુ હતુ . અને ઘટના પાછળ પડદો પાડી દેવાનાં પ્રયત્નો કર્યા હતા. પરંતુ ઘટના પ્રકાશમા આવતા પોલીસ બેડામા ચકચાર મચી જવા પામી છે. આ ઘટના અંગે એ ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.