સુરતથી રાજકોટ આવી કરણપરામાં ચોરી કરનાર રીઢા તસ્કર સહિત ત્રણ પકડાયા
ચોરી કરેલો મુદ્દામાલ પાટણના સોનીને સાચવવા માટે આપી દીધો હતો
રૂા.9.50 લાખની ચોરીમાં ત્રિપુટીની ધરપકડ, એકની શોધખોળ
રાજકોટનાં કરણપરામાં ઈલેકટ્રીકના વેપારીના ઘરમાં થયેલી રૂા.9.50 લાખની ચોરીનો ભેદ ક્રાઈમ બ્રાંચે ઉકેલી નાખી નામચીન તસ્કર અને તેના બે સાગ્રીતોની ધરપકડ કરી અન્ય એકની શોધખોળ શરૂ કરી છે. પકડાયેલો નામચીન તસ્કર અગાઉ 35 થી વધુ ચોરીમાં પોલીસ ચોપડે ચડી ચુકયો છે. સુરતથી સ્પેશ્યલ તે રાજકોટ ચોરી કરવા આવ્યા બાદ વેપારીના ઘરમાંથી રૂા.9.50 લાખની ચોરી કર્યા બાદ આ માલ તેના ભત્રીજા મારફતે પાટણ રહેતા તેના મિત્રને આપી દીધો હતો. ક્રાઈમ બ્રાંચે અલગ અલગ ટીમ બનાવીને આ ચોરીનો ભેદ ઉકેલી ત્રણની ધરપકડ કરી છે. જ્યારે નામચીન તસ્કરનો ભત્રીજો ફરાર હોય તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
કરણપરામાં રહેતા ઈલેકટ્રીકના કેકીનભાઈ દિલીપભાઈ શાહનું મકાન બંધ હોય તેની રેકી કર્યા બાદ ચોરીને અંજામ આપનાર ટોળકી ઓળખાઈ ગઈ હતી. જેમાં નામચીન તસ્કર હાલ સુરત માધવ પેલેસ એપાર્ટમેન્ટ સામપુર ગામ કામરેજ સુરત ખાતે રહેતો આનંદ ઉર્ફે રાજુ ઉર્ફે કરોડપતિ ચોર જેસંગ સિતાપરા (ઉ.63) તથા તેનો ભત્રીજો ગોંડલનો વિજય રમેશ સિતાપરા તથા રાજકોટના કોઠારીયા રોડ પર રહેતો તેનો સાગ્રીત ઈમ્તીયાઝ અલ્તાફ પરમાર અને પાટણના ચિરાગ મુક્તિલાલ શિવલાલ શાહની સંડોવણી હોવાનું ખુલ્યા બાદ ક્રાઈમ બ્રાંચેની ટીમે આનંદ તથા તેના સાગ્રીત ઈમ્તીયાઝ અને તેના મિત્ર ચિરાગ શાહની ધરપકડ કરી ભત્રીજા વિજય સિતાપરાની શોધખોળ શરૂ કરી છે. ક્રાઈમ બ્રાંચે રૂા.13.14 લાખનો મુદ્ધામાલ કબજે કર્યો છે.
રાજકોટના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 33 મળી કુલ 35 થી વધુ ચોરીના ગુનામાં સંડોવાયેલ નામચીન તસ્કર આનંદ જેસીંગે તેના સાગ્રીતો સાથે મળી ચોરીને અંજામ આપ્યો હતો. ઈમ્તીયાઝ અને આનંદના ભત્રીજા વિજયે સાથે મળી ચોરીને અંજામ આપ્યા બાદ આ મુદ્દામાલ આનંદને આપ્યો હતો અને આનંદે આ ચોરીનો મુદ્દામાલ પાટણ રહેતા તેના મિત્ર ચિરાગ શાહને સાચવવા માટે આપ્યો હોવાનું જાણવા મળ્યું છે. આનંદ જેસીંગ સુરતથી ચોરીને અંજામ આપવા માટે રાજકોટ આવ્યો હતો. ક્રાઈમ બ્રાંચના ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી બી.બી.બસીયાના માર્ગદર્શન હેઠળ પીઆઈ એમ.આર.ગોંડલીયા સાથે પીએસઆઈ એમ.જે.હુણ, એ.એન.પરમાર, વી.ડી.ડોડીયા સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.