ધોરાજીની મહિલા પાસેથી 21 લાખ પડાવવા દંપતિ સહિત ત્રણ વ્યાજખોરોનો ત્રાસ
ધોરાજીમાં આંબેડકર નગરમાં રહેતી મહિલાને કોરોનાની સારવાર માટે થયેલ છ લાખના ખર્ચાની ભરપાઈ કરવા માટે ધોરાજીના દંપતિ અને અન્ય એક વ્યાજખોર પાસેથી લીધેલ રૂા. 10.50 લાખનું રૂા. 37.50 લાખ જેટલુ વ્યાજ ચુકવીદીધા છતાં વ્યાજખોરોએ ધમકી આપતા આ મામલે દંપતિ સહિત ત્રણ વ્યાજખોર સામે પોલીસે ગુનો નોંધ્યો છે.
મળતી વિગતો મુજબ ધોરાજીના આંબેડકર નગરમાં રહેતા મિત્તલબેન મહેન્દ્રભાઈ વિંજુડાએ બે અલગ અલગ ફરિયાદ નોંધાવી છે. જેમાં પ્રથમ ફરિયાદમાં આરોપી તરીકે નિલેશ હરજી ભાસ્કરનું નામ આપ્યું છે.
કોરોના વખતે મિતલબેનને સારવાર માટેનો મોટો ખર્ચ થયો હોય જેથી તેમના સાસબંધીઓ પાસેથી રૂપિયા ઉધાર લીધા હતાં. જે ચુકવવા માટે મિતલબેને નિલેશ ભાસ્કર પાસેથી 30 ટકા વ્યાજે રૂા. 50 હજાર લીધા હતાં.
જેની સામે વ્યાજ સહિત રૂા. 2.50 લાખ ચુકવી દીધા છતાં વધુ ચાર લાખ માંગી નિલેશી ધમકી આપવાનું શરૂ કર્યુ હતું જ્યારે બીજી ફરિયાદમાં મિતલબેને વિજય કિશન ચૌધરી અને તેની પત્ની યોગીતા વિજય ચૌધરીનું નામ આપ્યું છે.
આ બન્ને પાસેથી રૂા. 10 લાખ વ્યાજે લીધા હતા. જે વ્યાજ સહિત રૂા. 35 લાખ ચુકવી દીધા છતાં આ દંપતિએ વધુ 17 લાખ રૂપિયા પડાવવા માટે વારંવાર પઠાણી ઉઘરાણી કરી મિતલબેનને ધમકી આપવાનું શરૂ કર્યુ હતું.
આ મામલે મિતલબેને ધોરાજી પોલીસમાં છ મહિના પૂર્વે અરજી કરી હોય છતાં પોલીસે વ્યાજખોરો સામે કોઈ પગલા નહીં લેતા વારંવાર વ્યાજખોરો મિતલબેનને ધમકી આપતા હોય જેથી આ અંગે મિતલબેને જિલ્લા પોલીસવડાને કરેલી ફરિયાદ બાદ અંતે પોલીસે મિતલબેનની ફરિયાદના આધારે વિજય ચૌધરી તેની પત્ની યોગીતા અને નિલેશ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
-