નકલી પોલીસ બનીને તોડ કરનાર રાજકોટના ત્રણ શખ્સો જેલહવાલે
જામનગરમાં જુના રેલવે સ્ટેશન નજીક વેલનગર વિસ્તારમા રહેતા એક આસામીના ઘરે પહોચેલા રાજકોટ ક્રાઈમ બ્રાંચના નકલી પોલીસ જવાનોએ રેઇડના નામે 20 હજાર રૂૂપિયાનો તોડ કરી અને એક આસામી પાસેથી પણ દારૂૂના નામે આ જ નકલી પોલીસ અને કથિત પત્રકારે તોડ કરવાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ સીટી બી. ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવાઇ હતી, જેમાં જામનગર પોલીસે રાજકોટના ત્રણ શખ્સોની અટકાયત કરી લઈ રિમાન્ડ પર લીધા બાદ ત્રણેયને જેલમાં મોકલી દેવાયા છે. તેઓ પાસેથી એક કાર બે બાઈક અને ત્રણ મોબાઈલ ફોન કબજે લેવાયા છે.
જામનગરમાં જુના રેલ્વે સ્ટેશન નજીક વેલનગરમાં રહેતો હર્ષ જીગ્નેશભાઈ રાઠોડ ગત તા.31/5/2025ના રોજ બપોરે પોતાના ઘરે હતો, ત્યારે બપોરે બે વાગ્યાના સુમારે એક કાર પોતાના ઘર પાસે આવીને ઉભી રહી હતી. જે કારમાંથી ઉતરેલ બે શખ્સોએ પોતાની ઓળખ રાજકોટ ક્રાઈમ બ્રાંચના સ્ટાફના માણસો હોવાની કહી મોબાઈલમાં ઘરનું રેકોર્ડીંગ કરવા લાગ્યા હતા.
રેકોર્ડીંગ કરી પોતાને પોલીસ તરીકે ઓળખાવનાર બંને શખ્સોએ હર્ષ અને તેના પિતાને દારૂૂ સબંધિત કાર્યવાહી કરવાની ધમકી આપી હતી, અને જો પોલીસ કેસમાં ન પડવું હોય તો 50 હજાર રૂૂપિયાની માંગણી કરી હતી. અને 20,000 મેળવી લીધા હતા.
જે ત્રણેય શખ્સોએ અન્ય એક યુવાનને પણ આ રીતે નકલી પોલીસ અને પત્રકાર બનીને તોડ કરવાનો પ્રયાસ કર્યો હતો, અને આ મામલો સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને ત્રણેય સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
આ પ્રકરણની તપાસ ચલાવી રહેલા પીએસઆઇ ડી.જી. રાજ અને તેઓની ટીમે ઉપરોક્ત આરોપીઓ પૈકી રાજકોટમાં માધાપર ચોકડી પાસે રહેતા આકાશ પ્રફુલભાઈ ધ્રાંગડ, વિજય બુધાભાઈ મકવાણા (હડમતીયા- રાજકોટ) અને સુરેશ રણમલભાઈ કાનાણી (ગ્રીનલેન્ડ ચોકડી રાજકોટ) ની ધરપકડ કરી હતી, અને અદાલત સમક્ષ રજૂ કરી એક દિવસના રિમાન્ડ પર લેવાયા હતા.
જેઓની આજે રિમાન્ડની મુદત પૂરી થતાં ત્રણેયને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. જે ત્રણેય આરોપીઓ પાસેથી પોલીસે ગુનાના કામમાં ઉપયોગમાં લેવાયેલી એક કાર અને બે ટુ-વ્હીલર ઉપરાંત ત્રણ નંગ મોબાઈલ ફોન વગેરે કબજે કરી લેવાયા છે.