ઓમનગર સર્કલ પાસે કારમાં દારૂની મહેફીલ માણતા વેપારી, ફોટોગ્રાફર સહિત ત્રણ પકડાયા
શહેરના 150 ફૂટ રીંગરોડ પર ઓમનગર સર્કલ પાસે કારમાં દારૂની મહેફીલ ચાલતી હોવાની બાતમીના આધારે એલસીબી ઝોન-2ની ટીમે દરોડો પાડી કારમાં દારૂની મહેફીલ માણતા વેપારી ફોટોગ્રાફર સહિત ત્રણ શખ્સોને ઝડપી લઇ દારૂના બે ચપલા, પાણી, સોડાની બોટલ, ખાલી ગ્લાસ, ચવાણુ અને દાળીયાના પેકેટ અને કાર મળી કુલ રૂા.2.50 લાખનો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જાણવા મળતી વિગત મુજબ એલસીબી ઝોન-2ના પીએસઆઇ આર.એચ.ઝાલા, એએસઆઇ રાજેશ મીયાત્રા, હેડકોન્સ્ટેબલ રાહુલ ગોહેલ, શક્તિસિંહ ગોહીલ, હેમેન્દ્ર વાધીયા, કુલદિપસિંહ રાણા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો.
દરમિયાન 150 ફૂટરીંગ રોડ પર ઓમનગર સર્કલ પાસે રોડ પર કારમાં દારૂની મહેફીલ ચાલતી હોવાની ચોક્કસ બાતમી મળતા એલસીબીની ટીમે દોડી જઇ દરોડો પાડતા કારમાં ત્રણ શખ્સો બેઠા હોય જેને ઝડપી લઇ પૂછપરછ કરતા મેટોડા જીઆઇડીસીમા રહેતો વિક્રમ માડણભાઇ ખુટી, મેટોડામાં રહેતો વેપારી બાબુ કાળુભાઇ પરમાર અને કોઠારીયા રોડ પર નંદા હોલ પાછળ સુભાષનગરમાં રહેતો ફોટોગ્રાફર અલ્પેશ રમેશભાઇ તાળા પીધેલી હાલતમાં હોય તેને ઝડપી લઇ કારમાંથી દારૂના ચપલા નંગ-2, પાણી અને સોડાની બોટલ, વેફર, મગદાળ, ચવાણુ, શીગ-દાળીયાના પેકેટ અને ખાલી ગ્લાસ મળી આવ્યા હતા. જેથી પોલીસે ત્રણેય શખ્સોની ધરપકડ કરી દારૂ અને બાયટીંગ તથા કાર મળી કુલ રૂા. 2,50,600 નો મુદ્દામાદ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મવડી ઓવરબ્રિજ પાસે પત્તા ટીચતા પાંચ ઝડપાયા
ગોંડલ રોડ પર મવડી ઇન્ડસ્ટ્રીઝ ઓવરબ્રિજ પાસે જાહેરમાં ચાલતા જુગારધામ ઉપર એલસીબી ઝોન-2ની ટીમે દરોડો પાડી પત્તા ટીચતા ગોવિંદ મોહનભાઇ કામલે, ઇમ્તિયાઝ અલીભાઇ સોરા, સાજીદ ઉમરભાઇ સોર, રાજેશ ધીરુભાઇ ચાવડા અને મુન્ના ધરમશીભાઇ મકવાણાને ઝડપી લઇ પટ્ટમાંથી રૂા.15400ની રોકડ કબજે કરો ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.