‘મારી માતાને કેમ ફોન કરે છે’ કહી યુવાન પર જૂના મિત્ર સહિત ત્રણ શખ્સોનો હુમલો
શહેરના નવા રીંગ રોડ પર ઘંટેશ્ર્વર પાસે પ્લોટની દેખરેખ રાખતાં યુવાન પર જુના મિત્ર સહિત ત્રણ શખ્સોએ ‘મારી માતાને કેમ ફોન કરે છે’ તેમ કહી હુમલો કરી માર માર્યો હતો અને પ્લોટમાં રાખેલી ખુરશી અને ગ્રાઉન્ડરમાં તોડફોડ કરી ખૂનની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતા યુનિવર્સિટી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, 150 ફુટ રીંગ રોડ પર ઘંટેશ્વર પાસે વર્ધમાનનગરમાં રહેતા અને ઘર નજીક જ પ્રવિણસિંહ ઝાલાના પ્લોટની દેખરેખનું કામ કરતાં અમિતભાઈ પ્રિતીચંદ રાણા (ઉ.40)એ યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે તેના જુના મિત્ર દિવ્યેશ હરીભાઈ સોલંકી અને તેની સાથે આવેલા ભુરો અને એક અજાણ્યા શખ્સનું નામ આપ્યું છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત રાત્રે તેઓ પ્લોટ પર હતાં ત્યારે આરોપીઓએ ધસી આવી આરોપી દિવ્યેશે જણાવ્યું કે તારા ફોનમાંથી તે મારી માતાને કેમ ફોન કરેલો જેથી ફરિયાદીએ જણાવ્યું કે મારા મિત્ર જયંતિભાઈનો ફોન તારી માતા પાસે હોય જેથી જેન્તીભાઈએ તારી માતાને ફોન પરત મેળવવા મારા ફોનમાંથી ફોન કર્યો હતો.
તેમ કહેતા આરોપીએ ઉશ્કેરાય જઈ માર માર્યો હતો અને પ્લોટમાં રાખેલી ખુરશીઓ અને ગ્રાઈન્ડરમાં તોડફોડ કરી હતી અને અજાણ્યા શખ્સે છરી બતાવી આરોપી દિવ્યેશે હવે મારી માતાને ફોન કરીશ તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી ત્રણેય નાસી છુટયા હતાં. ઈજાગ્રસ્ત યુવાને સારવાર માટે 108 મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે યુનિવર્સિટી પોલીસે ત્રણેય શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.