બાબરાના ત્રણ શખ્સો 67 કિલો ગાંજા સાથે પકડાયા
સ્ટેટ મોનિટરીંગ સેલે બારડોલી પાસેથી ટ્રક સાથે ત્રણેયને ઝડપી લીધા
ઓરિસ્સાના શખ્સે ગાંજો આપ્યો હતો અને બાબરાના શખ્સને આપવાનો હોવાની ત્રણેયની કબૂલાતગુજરાત
સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ઘલુડા ગામની સીમમાં ને.હા.નં.53 ઉપર સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે નાકાબંધી કરી ટ્રકમાંથી 67.920 કિલોગ્રામ ગાંજો કિ.રૂૂ.6.79 લાખના જથ્થા સાથે ટ્રકના માલિક, ડ્રાઇવર અને કલીનરને ઝડપી લીધા હતાં. ત્રણેય શખ્સો કલકત્તા ખાતેથી સામાન ભરીને સુરત આવતી વખતે ઓડિશાથી ગાંજાનો જથ્થો ભરીને લાવતા હતા.
ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમના ડીવાયએસપી કે.ટી.કામરીયાએ બાતમી આધારે પલસાણા તાલુકાના ઘલુડા ગામની સીમમાં ને.હા.નં.53 પર નાકાબંધી કરી હતી. તે સમયે બારડોલી તરફથી આવેલી ટ્રક (નં.જીજે-04-એડબ્લ્યુ-4624)ને અટકાવી તલાસી લેતાં વનસ્પતિજન્ય પ્રતિબંધિત માદક પદાર્થ ગાંજો 67.920 કિલોગ્રામનો જથ્થો કિ.રૂૂ.6,79,200નો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે ટ્રકના માલિક રજાક રહીમભાઈ અલ્લારખા સૈયદ, ડ્રાઇવર ફરહાન ઉર્ફે સાહિલ હાજીભાઈ મેતર અને ક્લીનર જયદીપ વિનુભાઈ પખવાડિયા (ત્રણેય રહે.બાબરા, જી.અમરેલી)ને પકડી લીધા હતા.
ત્રણેયની પુછપરછ કરતા કલકત્તા ખાતે ટ્રાન્સપોર્ટનો સામાન ભરીને ગયા હતા. પરત ફરતી વખતે કલકત્તાથી લોખંડના પાઈપ ભરીને સુરત આવતા હતાં. તે સમયે ઓડિશા રાજ્યના બૌધ્ધગઢથી વિશાલ નામના પાસેથી ગાંજોનો જથ્થો ભરીને આવતા હતા. અને ગાંજાનો જથ્થો રાહિલ રહીમ ગંડારીયા (રહે.બાબરા, જી.અમરેલી)એ મંગાવેલો હોવાની કબુલાત કરી હતી. પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ પલસાણા પોલીસમાં ગુનો નોંધી ટ્રક સહિત તમામ મુદ્દામાલ કબજે કરી ગાંજાનો જથ્થો આપનાર વિશાલ અને મંગાવનાર રાહિલ ગંડારિયાને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.