નાનાભાઇએ પાડોશી પરિણીતાને મેસેજ કરતા મોટા ભાઇ ઉપર ત્રણ શખ્સોનો હુમલો
પરસાણાનગરમાં બનેલી ઘટના: યુવકને ઇજા પહોંચતા સારવારમાં ખસેડાયો
શહેરમાં જામનગર રોડ ઉપર આવેલા પરસાણા નગરમાં રહેતા નાના ભાઈએ પાડોશી પરિણીતાને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરતા પરિણીતાના પતિ સહિતના ત્રણ શખ્સોએ મેસેજ કરનાર યુવકના મોટાભાઈને માર માર્યો હતો હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જામનગર રોડ ઉપર આવેલા પરસાણાનગરમાં રહેતા પ્રેમ રાજેન્દ્રભાઈ શર્મા નામનો 26 વર્ષનો યુવાન રાત્રિના નવ વાગ્યા અરસામાં પોતાના ઘર પાસે હતો ત્યારે પડોશમાં રહેતા કલ્પેશ અને પ્રશાંત સહિતના બે અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી લાકડી વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં ઈજાગ્રસ્ત અને હુમલાખોર બધા મિત્રો છે અને પાડોશમાં રહે છે ઇજાગ્રસ્ત પ્રેમ શર્માના નાના ભાઈ વિજય શર્માએ હુમલાખોર કલ્પેશની પત્નીને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કર્યો હતો જેનો ખાસ રાખી વિજયના બદલે પ્રેમ શર્મા ઉપર હુમલો કરી માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે પ્રનગર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.