કુબલિયાપરામાં પ્રેમસંબંધ મામલે માતા-પુત્ર સહિત ત્રણ પર હુમલો
રાજકોટ શહેરના થોરાળા વિસ્તારમાં આવેલા કુબલીયાપરામાં રહેતા પરિવાર પર પ્રેમસંબંધ મામલે યુવતીના પિતા અને બન્ને ભાઇએ તલવાર અને છરી વડે હુમલો કરતા ત્રણને સારવાર માટે સિવિલમાં ખસેડાયા હતા. આ ઘટનામાં થોરાળા પોલીસે ત્રણેય શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો.
બનાવની વધુ વિગતો અનુસાર, કુબલીયાપરા શેરી નંબર પાંચમાં રહેતા રાહુલ ભરતભાઇ સોલંકી (ઉ.વ.26) એ તેમની શેરીમાં રહેતા કિશોર ધીરૂભાઇ સોલંકી તના બન્ને પુત્ર અનીલ કિશોરભાઇ સોલંકી અને રાજેશ કિશોરભાઇ સોલંકી (રહે.કુબલીયાપરા) વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી છે. રાહુલે ફરીયાદમાં જણાવ્યું હતું કે પોતે ત્રણ ભાઇ અને એક બહેન છે.
બે વર્ષ પહેલા મોટો ભાઇ દિલીપ શેરીમાં રહેતા કિશોરભાઇની દીકરીને ભગાડી ગયો હતો અને ચારેક દીવસમાં બન્ને મળી આવતા પાયલને તેના પિતાને સોંપી હતી તેમજ આવી રીતે બન્ને ચારેક વખત સાથે ભાગી જતા અને ત્રણ-ચાર દિવસમાં મળી આવતા હતા અને પાયલને તેના પિતાના ઘરે મુકી આવતા આ વખતે પાયલના પિતા અને ઘરના લોકો કહી ગયા કે પાયલ આવે તો હવે તમારી સાથે જ રાખજો. બાદમાં દીલીપ અને કિશોરભાઇની દીકરી પાયલ બન્ને પતિ-પત્નીની જેમ રહેવા લાગ્યા હતા.
તા.26/4ના બપોરે માતા જશુબેન અને રાહુલ ઘરમાં શેરીમાં ઉભા હતા ત્યારે પાયલના પિતા કિશોરભાઇ તલવાર લઇને અને તેમના બન્ને પુત્રો અનીલ અને રાજેશ છરી લઇને આવ્યા હતા અને કોઇપણ જાતની વાત કર્યા વગર તલવારનો ઘા ઝીંકયો હતો અને જેથી રાહુલ નીચે પડી ગયો હતો તેમજ અનીલ અને રાજેશ છરી વડે રાહુલને આડેધડ ઘા ઝીંકી દીધા હતા. ત્યાં છોડાવવા વચ્ચે પડતા માતા જશુબેન ઉર્ફે શારદાબેન અનેમોટા બા વજીબેન સોલંકીને પણ તલવારનો ઘા ઝીંકી દેતા લોહીલુહાણ થયા હતા. આ મામલે ત્યાં લોકો ભેગા થઇ જતાં આરોપી ભાગી ગયા હતા અને 108 મારફતે તેમને સિવિલમાં ખસેડાયા હતા. આ અંગે થોરાળા પોલીસમાં ગુનો નોંધાતા આરોપીઓને સકંજામાં લેવા તજવીજ શરૂ કરાઇ છે.