જાંબુડાના પાટિયા પાસેથી ચોરાઉ ખનિજ ભરેલા ત્રણ ડમ્પર ઝડપાયા
જામનગર ના પંચકોશી એ. ડિવિઝન પોલીસ વિભાગ ની ટીમ દ્વારા ખનીજ ચોરીનું મોટુ કારસ્તાન પકડી પાડવામાં આવ્યું છે, અને જાંબુડા પાટીયા પાસેથી ખનીજ (રેતી)ની ચોરી કરીને જઈ રહેલા ત્રણ ડમ્પરોને પકડી પાડ્યા છે, અને કુલ 3.73 લાખ નો મુદ્દા માલ જપ્ત કરી લઈ ખાણ ખનીજ વિભાગને સોંપી દેવામાં આવ્યો છે.
જામનગરના પંચકોશી એ. ડિવિઝનના પી.આઇ. એન.એમ. શેખ અને તેઓની ટીમને ચોક્કસ બાતમી મળી હતી, કે કેટલાક ખનીજ ચોરો દ્વારા ગેરકાયદે રીતે રોયલ્ટી ભર્યા વગર કે ખાણખનીજ ખાતા ને જાણ કર્યા વગર જુદા જુદા વાહનોમાં ગેરકાયદે રીતે ખનીજ (રેતી)ની ચોરી કરીને તેનું પરિવહન કરવામાં આવી રહ્યું છે, અને જાંબુડા પાટીયા પાસેથી આવા વાહનો પસાર થઈ રહ્યા છે.
જે બાતમીના આધારે આજે બપોરે પંચકોશી એ. ડિવિઝનની પોલીસ ટીમે વોચ ગોઠવી હતી, જે વોચ દરમિયાન જી.જે. 13 ડબલ્યુ 2595, જી.જે. 13 ડબ્લ્યુ 3200 અને જી.જે. 13 એ.ટી. 4039 નંબરના ત્રણ ડમ્પર શંકાસ્પદ હાલતમાં નજરે પડ્યા હતા. આથી પોલીસે ત્રણેય વાહનોને અટકાવીને તેના ચાલકની પૂછપરછ કરી હતી, અને અંદર નિરીક્ષણ કરતાં મોટા પ્રમાણમાં (ખનીજ) રેતી ભરેલી હતી, જે ના આધાર પુરાવાઓ વગેરેની માંગણી કરતાં ત્રણેય પાસેથી કોઈપણ પ્રકારના આધાર પુરાવા મળ્યા ન હતા, અને ઉપરોક્ત ખનિજ ચોરી કરીને પરિવહન કરવામાં આવી રહ્યું હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જેથી પોલીસ દ્વારા કુલ 3,73,619 ની કિંમતનો ત્રણેય ડમ્પર સહિતના જથ્થો કબજે કરી લેવામાં આવ્યો છે, અને ખાણ ખનીજ વિભાગને જાણ કરીને સોંપી દેવાયો છે. જેથી ખાણખનીજ વિભાગની ટીમ સમગ્ર મામલે આગળની તપાસ ચલાવે છે.