ગુજરાતમાંથી પકડાયેલ 107 કરોડના ડ્રગ્સ મામલે ફરાર ત્રણ ડ્રગ્સ માફિયાની ધરપકડ
સાત માસ પૂર્વે ખંભાત અને ધોળકામાંથી એટીએસ ઝડપી પાડેલા ડ્રગ્સ કેસમા સંડોવાયેલા ત્રણ શખસો રાજસ્થાન અને મધ્યપ્રદેશથી ઝડપાયા
ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)ની ટીમને ડ્રગ્સ માફિયા વિરુદ્ધ એક મોટી સફળતા સાંપડી છે. જેમાં સાત માસ પુર્વ આણંદ જિલ્લાના ખંભાત તાલુકાની ગ્રીનલાઈફ ઈન્ડસ્ટ્રીઝમાંથી 107 કિલોનું પ્રતિબંધિત અલ્પ્રાઝોલમ (જેની અંદાજિત કિંમત રૂૂ. 107 કરોડ) અને 2518 કિલો કેમિકલ્સ કબજે કર્યું હતુ. આ કેસમાં ફરાર 3 આરોપીઓની મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી ધરપકડ કરવામાં આવી છે.
ATSની ટીમે ફરાર આરોપી અસલમ ખાનને મધ્ય પ્રદેશના રતલામ, કાલુરામ પાટીદારને મધ્ય પ્રદેશના રાજગઢ તેમજ શકીલ મહોમ્મદને રાજસ્થાનના ઝાલાવાડથી ઝડપી પાડ્યા છે એટીએસની પ્રાથમિક તપાસમાં આ કેસનો મુખ્ય આરોપી અજય જૈન પહેલા નાર્કોટિક્સના કેસમાં 16 વર્ષ જેલની હવા ખાઈ ચૂક્યો છે. જે વિજય મકવાણા પાસેથી અલ્પ્રોઝોલમ ખરીદીને આ ત્રણેય આરોપીઓને વેચતો હતો. આ માટે અસલમે 5 કિલો ડ્રગ્સ માટે 15 લાખ તેમજ કાલુરામ અને શકીલે 11 કિલો ડ્રગ્સ માટે આંગડિયા મારફતે 30 લાખ રૂૂપિયા ચૂકવ્યા હતા.
આ કેસમાં પોલીસે જાન્યુઆરીમાં જ રણજીત ડાભી, વિજય મકવાણા, લાલજી મકવાણા, જયદીપ મકવાણા, અજય જૈન અને હેમંત પટેલની ધરપકડ કરી હતી. જે બાદ ધોળકા સ્થિત એક ગોડાઉનમાં દરોડો પાડીને 500 કિલો ટ્રામાડોલનો જથ્થો જપ્ત કર્યો હતો. આ મામલે તમામ આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે. આજે ઝડપાયેલા અસલમ ખાનને 2011માં 10 વર્ષની તેમજ કાલુરામને 2016માં 2 વર્ષની સજા થઈ ચૂકી છે. અલ્પ્રાઝોલમ અનેક રોગોની સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવે છે. જો કે તેનો દૂરુપયોગ નશા માટે પણ કરવામાં આવે છે. આથી જ તે NDPS એક્ટ અંતર્ગત પ્રતિબંધિત ડ્રગ્સની શ્રેણીમાં આવે છે. આ સાથે જ આ ગુનામાં અત્યાર સુધીમાં 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી ચૂકી છે.