જામજોધપુર માર્કેટિંગ યાર્ડની પેઢીના ત્રણ વેપારીઓને છેતરપિંડીના ગુનામાં રિમાન્ડ પર લેવાયા બાદ જેલ હવાલે
ત્રણેય વેપારીઓના છ બેંક ખાતા સ્થગિત, લોકર સીલ કરી 30,000 ની રકમ ફ્રીજ કરાઇ: મકાન અને દુકાન બેંક પાસે ગીરવે મૂકી લોન મેળવી હોવાનો ખૂલાસો
જામજોધપુર માર્કેટિંગ યાર્ડની એક વેપારી પેઢી કાચી પડી હતી, અને સતાપર ગામના પાંચ ખેડૂતોની રૂૂપિયા 32 લાખની જણસ મેળવી લીધા પછી તેની રકમ નહીં ચૂકવી વેપારી પિતા- પુત્ર, અને ભાઈ, કે જેઓ પોતાના ધંધા ના સ્થળ અને મકાનને તાળા મારીને ભાગી છૂટ્યા હતા, જેથી ત્રણેય સામે છેતરપિંડી અંગેની જામજોધપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ હતી, જે ત્રણેય આરોપીઓ જામજોધપુર પોલીસ મથકે હાજર થતાં પોલીસ દ્વારા તેઓની અટકાયત કરી લઇ 6 દિવસના રિમાન્ડ પર લેવાયા હતા.
જે રિમાન્ડ દરમિયાન પોલીસે 85 હજારની રોકડ કબજે કરી છે, જ્યારે તેઓના છ બેંક ખાતા સિઝ કરાવ્યા છે, તેમજ એક ખાતામાં 30,000 ની રોકડ રકમ ફ્રીજ કરાવી છે, અને લોકર પણ સીલ કરાવ્યું છે. વેપારીઓની પેઢી અને રહેણાક મકાન, કે જે બંને પર બેંકમાંથી ધિરાણ મેળવાયું હોવાનું પોલીસ તપાસમાં ધ્યાનમાં આવ્યું છે. જેઓની રિમાન્ડની મુદત પૂરી થતાં ત્રણેયને જેલમાં ધકેલી દેવાયા છે.
જામજોધપુર ના માર્કેટિંગ યાર્ડમાં આવેલી વિઠલાણી બ્રધર્સ નામની વર્ષો જૂની પેઢી, તથા તેની સાથે સંયુક્તમાં આવેલી અલગ અલગ બે પેઢી કે જેઓના સંચાલક રમેશભાઈ મથુરાદાસ વિઠલાણી, અને ગોપાલભાઈ મથુરાદાસ વીઠલાણી નામના બે ભાઈઓ તેમજ રમેશભાઈના પુત્ર કિસન રમેશભાઈ વિઠલાણી કે જેઓએ જામજોધપુર તાલુકાના સતાપર ગામના કેટલાક ખેડૂતોની 32 લાખ જેટલી જણસ ની રકમ ચૂકવ્યા વિના પેઢીને તાળા મારીને ભાગી છુટયા હોવાથી ત્રણેય સામે વિશ્વાસઘાત અને છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાવાઈ હતી.
જે આરોપીઓના મોબાઇલ ફોન સ્વીચ ઓફ થઈ ગયા હતા, જ્યારે ધરના પણ સભ્યો પોતાના મકાન પર તાળા મારીને લાપત્તા થયા હતા, દરમિયાન ગત 8મી તારીખે તેઓ સામેથી હાજર થયા હતા, જેથી પીએસઆઇ હિતેન વડાવીયા તેમજ તેઓની ટીમ દ્વારા ત્રણેય ની અટકાયત કરી લઈ ત્રણેયના નિવેદનો નોંધવાનું શરૂૂ કર્યું હતું, અને અદાલત સમક્ષ રજૂ કરી 6 દિવસના રિમાન્ડ પર લીધા હતા. જે રિમાન્ડ દરમિયાન પોલીસ દ્વારા જુદી જુદી કાર્યવાહીઓ કરવામાં આવી હતી. પોલીસે ત્રણેય આરોપીઓ પાસેથી 85000ની રોકડ રકમ કબજે કરી છે, ઉપરાંત તેઓના એક બેંક ખાતામાં 30,000 ની રોકડ રકમ જમા પડી હતી.
જે રકમ ફ્રીજ કરાવી છે, અને ત્રણેયના કુલ છ બેંક ખાતાઓ સ્થગિત કરાવ્યા છે, ઉપરાંત એક વર્ષો જૂનું બેંક લોકર, કે જેને પણ સીલ કરાવી દેવાયું છે. પોલીસ દ્વારા તેના રહેણાંક મકાન અને દુકાન અંગેની તપાસણી કરતાં ત્રણેય વેપારીઓ દ્વારા મકાન અને માર્કેટિંગ યાર્ડ વાળી દુકાન કે જેના ઉપર ધિરાણ મેળવી લીધું હોવાનું, અને તે બંને મિલકતો બેંક પાસે ગીરવે મુકાયેલી હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસ દ્વારા તેની ઘનિષ્ઠ પૂછપરછ કરવામાં આવતાં ખેડૂતોની તમામ જણસ તેણે સૌરાષ્ટ્રના જુદા જુદા શહેરના વેપારીઓને વેચી મારી હોવાની કબૂલાત આપી હતી.
જેથી પોલીસ ટુકડી ત્રણેયને લઈને રાજકોટ- ઉપલેટા- જુનાગઢ સહિતના અલગ અલગ સેન્ટરોમાં ગઈ હતી, અને ત્યાંના સ્થાનિક વેપારીઓના નિવેદનો નોંધ્યા હતા. જોકે તમામ વેપારીઓ દ્વારા ખેડૂતોની જણશ ની ખરીદી કર્યા બાદ તેના પેમેન્ટ કરી દીધા હોવાનું અને કોઈ પણ પ્રકારનું લેણું બાકી ન હોવાનું જણાવ્યું હતું.
ત્રણેય વેપારીઓની ગઈકાલે રિમાન્ડની મુદત પૂરી થતાં ફરીથી અદાલત સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા, જયાં અદાલતે ત્રણેયને જેલમાં ધકેલી દેવાનો હુકમ કર્યો છે, અને ત્રણેયને જામનગરની જિલ્લા જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.
