કપડાંની દુકાનમાં ચોરી કરનાર મામા-ભાણેજ સહિત ત્રણ ઝડપાયા
શહેરના સોરઠિયાવાડી સર્કલ પાસે બગીચા સામે આવેલી પગેંગસ્ટર મેન્સવેરથ નામની કપડાંની દુકાનમાં પાંચ દિવસ પૂર્વે માત્ર બે મિનિટની અંદર જ રૂૂ.1.38 લાખ રોકડની ચોરી થઈ હતી. ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હોય જેના આધારે ચોરીનો ભેદ ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈ એમ.કે.મોવલીયા અને તેમની ટીમે ઉકેલી નાખી દુકાનમાં જ નોકરી કરતાં યુવકની ધરપકડ કરી પુછપરછ કરતા આ ચોરીમાં યુવકના મીત્ર અને તેના મામાનું નામ ખલતા તે બન્નેને પણ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી લીધા હતા.
મામા-ભાણેજે ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો તેમની સાથે મળીને ચોરીને અંજામ આપ્યા બાદ તેને 30 હજાર રૂૂપિયા વાપરવા આપ્યા હતા જે પણ ક્રાઈમ બ્રાન્ચે કબજે લીધા હતા.
મળતી વિગતો મુજબ મવડી વિસ્તારમાં ઓમનગર સર્કલ પાસે ગિરનાર સોસાયટી શેરી નંબર 5 માં રહેતા વિવેક બાબુભાઈ ધેડીયા(ઉ.વ 25)એ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં રૂૂ.1.38 લાખ રોકડની ચોરીની ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે, તે સોરઠીયાવાડી સર્કલ બગીચા સામે ગેંગસ્ટર મેન્સવેર નામની કપડાંની દુકાનમાં છેલ્લા દોઢ વર્ષથી નોકરી કરે છે. દુકાનના માલિક યશ કિશોરભાઈ આસવાણી છે.
દુકાનમાં તે ઉપરાંત કરણ, કાર્તિક તથા રણવીર ઉર્ફે રાણો કામ કરે છે. ગત તા. 10/4 ના બપોરના ચારેક વાગ્યે ફરિયાદીનો મોટો ભાઈ મીત ધેડિયા અહીં દુકાને આવ્યો હતો અને દુકાનના કેશ કાઉન્ટરમાં તેણે તેના ધંધાના રૂૂપિયા 1.35 લાખ બે દિવસ માટે મૂક્યા હતા. તા.12/4 ના હનુમાન જયંતિ હોવાથી રાહદારીને ઠંડા પીણા પીવડાવવાનું આયોજન કર્યું હોય જેથી સવારના આઠેક વાગ્યે યુવાન પવનપુત્ર ચોક ગયો હતો અને થોડીવાર બાદ તેનો ભાઇ પણ આવ્યો હતો. બપોરના દોઢેક વાગ્યે આસપાસ બંને અહીં દુકાને આવતા કેશ કાઉન્ટરમાં ચેક કરતા મિતે કેશ કાઉન્ટરમાં રાખેલ રોકડ રૂૂપિયા 1.35 લાખ હતા નહીં તેમજ અન્ય કેસ કાઉન્ટરના ખાનામાં રાખેલ રૂૂપિયા 1800 રોકડ પણ જોવામાં આવ્યા ન હતા. જેથી ચોરી થયાનું માલુમ પડ્યું હતું.
બાદમાં તા.12-4 ના સીસીટીવી ફૂટેજ ચેક કરતા એક અજાણી વ્યક્તિ ખાખી કલર જેવો સિક્યુરિટીનો યુનિફોર્મ પહેરી માથે ટોપી અને મોઢે માસ્ક બાંધી આવી હોય તે અને રણવીર ઉર્ફે રાણો જીવરાજભાઈ પરમાર તેને કપડાં જાતે જોવાનું કહે છે અને રણવીર દુકાનની સાફ-સફાઈ કરતો જોવા મળે છે તેમજ રણવીર દુકાનની બહાર કચરો સાફ કરવા જાય છે એટલામાં આ અજાણ્યો શખસ કેસ કાઉન્ટરમાં લગાવેલ ચાવી ફેરવી ખાનુ ખોલી બંને ખાનામાંથી રૂૂ.1,36,800 ની રોકડ લઈ ગયાનું સીસીટીવી ફૂટેજમાં દેખાયું હતું. ચોરીની સંપૂર્ણ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હોય તેના આધારે ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈ એમ.કે.મોવલીયા અને તેમની ટીમે દુકાનમાં જ નવેક મહિનાથી નોકરી કરતાંરણવીર ઉર્ફે રાણો પરમારને સકંજામાં લઇ પુછપરછ કરતા ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો હતો.
ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ રણવીર ઉર્ફે રાણોએ કબૂલાત આપી હતી કે તેણે તેના મિત્ર કરણ વાલજી સોલંકી અને મામા કોહીનુર દિનેશ જાદવ સાથે પ્લાન બનાવી ચોરીને અંજામ આપ્યો હતો. ચોરી કરવાનું પ્લાનિંગ તેના મિત્ર અને મામાએ બનાવ્યું હતું અને તેમાં સાથ આપવા બદલ રણવીર ઉર્ફે રાણોને 30 હજાર રૂૂપિયા વાપરવા આપ્યા હતા. ચોરી થઈ ત્યારે રણવીર દુકાનમાં હાજર હતો. ચોરી વખતે તેનો મીત્ર અને મામા સિક્યુરિટી ગાર્ડના ડ્રેસમાં દુકાનમાં ઘૂસ્યા હતા અને કપડાં જોવાના બહાને કેશ કાઉન્ટરમાંથી 1.38 લાખની રોકડ સેરવી લીધી હતી. આ પછી ત્રણેયે ભાગબટાઈ પણ કરી લીધી હતી. તપાસમાં ખુલ્યા પ્રમાણે રણવીરને પિતા નથી જ્યારે બે બહેનો નેત્રહીન હોવાનું જાણવા મળ્યું હતું.