આ જ જોવાનું બાકી હતું… શરદપૂનમે દારૂની બોટલના વેશભૂષામાં ગરબા લીધા
વડોદરામા સંસ્કારી નગરીમાં સંસ્કારના લીરેલીરા ઉડતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ગઈકાલે રાત્રે શરદ પૂર્ણિમાના ગરબામાં દારૂૂની વેશભૂષા સામે આવી હતી. એક યુવક દારૂૂની બોટલની વેશભૂષામાં ગરબે ઘૂમ્યો હતો.
શહેરના રાજમહેલ રોડના જૂની કાછીયા પોળમાં આ બનાવ શરદ પૂનમના ગરબાના આયોજન દરમિયાન બન્યો હતો. જેમાં ધર્મના અને માતાની ભક્તિના નામે દારૂૂની ખુલ્લેઆમ જાહેરાત કરવામાં આવી રહી હતી. કોઠી ફળિયા યુવક મંડળ દ્વારા આ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.
બીજી તરફ ગરબા આયોજક લૂલો બચાવ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે કોઈ ગમે તે બનીને આવે તો અમે શું કરીએ. ત્યારે અહીં સૌથી મોટો સવાલ એ થાય છે કે શું આયોજકોની કોઈ જવાબદારી નથી આવતી? શેરી ગરબાના આયોજક કેતન પટેલે નિવેદન આપતા કહ્યું કે ગઈકાલે કોઈ યુવક તેના મિત્ર સાથે ગરબા રમવા આવ્યો હતો અને દારૂૂ બોટલની વેશભૂષા સાથે બે રાઉન્ડ ગરબે ઘૂમ્યો હતો.
જો કે અમને ધ્યાનમાં આવતા તરત જ તેને સમજાવીને બહાર કાઢ્યો હતો, જો કે એ કોણ હતો તે અમને ખબર જ નથી તેવુ આયોજક કહી રહ્યા છે. અને ફરી વખત આવું ના બને તે માટે આવતા વર્ષથી અમે નામની નોંધણી કરાવીને જ વેશભૂષા કાર્યક્રમમાં એન્ટ્રી આપીશું.