રેલવેમાં નોકરી અપાવવાના નામે છેતરપિંડી આચરનાર ગઠિયા સામે ત્રીજો ગુનો નોંધાયો
લાપાસરીના યુવાનના પણ રૂા. 12287 ઓળવી ગયો : અગાઉ છ યુવાનો સાથે 7 લાખની ઠગાઈ કર્યાની બે ફરિયાદ નોંધાઈ છે
રાજકોટના યુવાનોને રેલવેમાં કોન્ટ્રાક્ટ બેઝ ઉપર નોકરી કરી રેલવે સ્ટેશનમાં સફાઈનો કોન્ટ્રાક્ટ અપાવી દેવાની બહાને વાંકાનેરના શખ્સે છ યુવાનો સાથે રૂા. 7 લાખની છેતરપીંડી આચર્યાની અલગ અલગ બે ફરિયાદ નોંધાઈ છે. ત્યારે આરોપીએ વધુ એક યુવાન સાથે આ જ રીતે છેતરપીંડી આચરી હોવાનું સામે આવતા આજીડેમ પોલીસ મથકમાં ત્રીજો ગુનો નોંધાયો છે.
શહેરના કોઠારિયા વિસ્તારમાં આવેલા લાપાસરી રોડ પર પંચનાથ રીયલ હોમમાં રહેતા અને સોફા બનાવવાનું કામ કરતા કેવલ કરમશીભાઈ ગોરસિયા (ઉ.વ.25) નામના યુવાને આજીડેમ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે વાંકાનેરના રૂષિત વ્યાસનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીએ તેને રેલવેમાં કોન્ટ્રાક્ટ બેઝ ઉપર નોકરી આપવાની લાલચ આપી રજીસ્ટ્રેશન પેટે રૂા. 7287 અને સાફ-સફાઈના કોન્ટ્રાક્ટ પેટે રૂા. 4000 અને યુનિફોર્મમાં રૂા. 1000 મળી કુલ રૂા. 12287 આરોપીના ગુગલ પે ઉપર ટ્રાન્સફર કર્યા હતાં. બાદમાં નોકરી અપાવી ન હતી અને રૂપિયા પણ પરત ન કરી છેતરપીંડી કરી હતી. જેથી તેમણે આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, આરોપી વિરુદ્ધ ગત રવિવારે બી ડિવિઝન અને થોરાળા પોલીસ સ્ટેશનમાં આ જ રીતે છેતરપીંડી આચર્યાની બે ફરિયાદ નોંધાઈ છે.