ગોંડલ જામવાડીમાં કારખાનામાં થયેલી રૂપિયા 5.35 લાખની ચોરીનો ભેદ ખુલ્યો, બે ઝડપાયા
ગોંડલ નજીક જામવાડી જીઆઈડીસીમાં 5.35 લાખની ચોરીનો ભેદ રાજકોટ ગ્રામ્ય એલસીબીએ ઉકેલી નાખી આ ચોરીમાંસંડોવાયેલા રાજકોટ અને મોરબીના બે તસ્કરોની ધરપકડ કરી તેમની પાસેથી ડોલર અને વિદેશી ચલણ દિનાર સહિત ચાર લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ બન્ને શખ્સોએ અન્ય સ્થળે પણ ચોરી કર્યાની શંકાએ બન્નેની પુછપરછ શરૂ કરી છે. મળતી વિગતો મુજબ ગોંડલના જામવાડી જીઆઈડીસીમાં પ્રાઈમ એગ્રો ફૂડ પ્રોડક્ટ નામના કારખાનામાં 26મી જાન્યુઆરીના રોજ ચોરી થઈ હતી. કારખાનાની દિવાલ કુદીને આવેલા તસ્કરોએ ઓફિસના ટેબલના ખાનામાં રાખેલા રૂા. 5.35 લાખની ચોરી કરી હતી.
આ ચોરીમાં ગ્રામ્ય એલસીબીએ તપાસ દરમિયાન એક એસન્ટ કાર શંકાસ્પદ રીતે આ વિસ્તારમાં દેખાઈ હોય જેના આધારે એલસીબીએ જીજે 3 સીએ 2366 નંબરની એસન્ટ કાર અંગેની તપાસ કરતા આ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો. આ ચોરીમાં સંડોવાયેલ રાજકોટના ગોંડલ ચોકડી પાસે રહેતા મુળ ટંકારાના અંકિત મહાદેવ વિકાણી તથા મોરબીના ગોકુલનગરમાં રહેતા સુરજ સુખા સોલંકીની ધરપકડ કરી હતી.
પકડાયેલ અંકિત અગાઉ રાજકોટ અને જામનગરમાં તેમજ સુરજ રાજકોટની એક ચોરીમાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે. બન્ને પાસેથી વિદેશી ચલણ ડોલર અને દિનાર તથા રોકડ સહિત રૂા. 4 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
જિલ્લા પોલીસવડા હિમકર સિંહનીસુચનાથી એલસીબીના પીઆઈ વી.વી. ઓડેદરા સાથે પીએસઆઈ એચ.સી. ગોહિલ અને તેમની ટીમે કામગીરી કરી હતી.