જેતપુરમાં હાર્ડવેરની દુકાનમાં થયેલી 40 હજારની ચોરીનો ભેદ ઉકેલાયો,રીઢા તસ્કરની ધરપકડ
કેશોદ,અમરેલી,ભાવનગર અને રાજકોટમાં ચોરીના ગુન્હામાં સંડોવાયેલ શખ્સની પૂછપરછમાં વધુ ભેદ ઉકેલાશે
જેતપુરના અમરનગર રોડ પર આવેલ ઓમ સ્ટીલ નામની હાર્ડવેરની દુકાનમાં ગઇ તારીખ 23/07/2025ના રોજ થયેલી રૂૂ.40,000 રોકડ ની ચોરીનો ભેદ પોલીસે ઉકેલી નાખી રીઢા તસ્કરની ધરપકડ કરી હતી.
મળતી વિગતો મુજબ જેતપુરના અમરનગર રોડ પર આવેલ ઓમ સ્ટીલ નામની હાર્ડવેરની દુકાનમાં ગઇ તારીખ 23/07/2025ના રોજ 40 હજારની ચોરીનો બનાવ બન્યો હતો. જેતપુર સીટી પોલીસે ચોરીના બનાવમાં અલગ અલગ ટીમો બનાવીને બનાવવાળી જગ્યાની આજુ બાજુના વિસ્તારમાં આવેલ સીસીટીવી કેમેરા ફુટેજ મેળવી અગાઉના ગુનામાં પકડાયેલ આરોપીઓ બાબતે તપાસ કરતા આ ચોરીમાં સંડોવાયેલ નામચીન શખ્સનું નામ સામે આવ્યું હતું. અને આ ચોરી કરનાર શખ્સ નવાગઢ રેલ્વે સ્ટેશન પાસે હોવાની બાતમીને આધારે જેતપુર પોલીસે મૂળ અમરેલીના લાઠીના વતની હાલ જુનાગઢ, કાબલશા પીરની દરગાહ પાસે ઝુપડામાં રહેતા અમર ઉફે અમીત ઉફે કરણ દિનેશભાઇ વાઘેલા(ઉ.વ.23)ને ઝડપી લઇ પુછપરછ કરતા તેણે ચોરી કરી હોવાનું કબુલ્યું હતું. પકડાયેલ અમિત અગાઉ કેશોદ,અમરેલી,ભાવનગર અને રાજકોટમાં ચોરીના ગુન્હામાં સંડોવાયેલ હોવાનું જાણવા મળ્યું હતું.
રેન્જના આઈજી અશોકકુમાર યાદવ, જીલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહ તથા જેતપુર ડિવીઝનના નાયબ પોલીસ અધિક્ષક રોહીતસિંહ ડોડીયાના સીધા માર્ગદર્શન પી.આઈ વી.એમ.ડોડીયા સાથે સાગરભાઈ મકવણા, શક્તિસિંહ ઝાલા, લાખુભા રાઠોડ, ભગીરથસિંહ જાડેજા, અમીતભાઇ સિધપરા, પ્રદીપભાઇ અગરીયાએ કામગીરી કરી હતી.