પારડીની શ્રીજીવાટિકા સોસાયટીમાં થયેલી 2 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો
રાજકોટ નજીક પારડી ગામે આવેલ શ્રીજીવાટીકા સોસાયટીમાં થયેલી ચોરીનો ભેદ 17 દિવસ બાદ શાપર-વેરાવળ પોલીસે ઉકેલી નાખી રાજકોટનાં કોઠારીયા ગામે રહેતાં શખસની ધરપકડ કરી 30 હજારની રોકડ અને મોટર સાઈકલ કબજે કર્યુ હતું.
મળતી વિગતો મુજબ, શાપર-વેરાવળમાં આવેલ પારડી ગામ પાસેની શ્રીજીવાટીકા સોસાયટીમાં ચોરીનો બનાવ બન્યો હતો. ગત તા.16-5નાં રોજ શ્રીજીવાટીકા સોસાયટીમાં બંધ મકાનમાંથી રૂા.2 લાખની ચોરી થઈ હતી. આ ચોરી અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.જે મામલે શાપર-વેરાવળ પોલીસે તપાસ કરી આ ચોરીમાં સંડોવાયેલા રાજકોટનાં કોઠારીયા ગામ સરકારી સ્કૂલ પાસે શેરી નં.4માં રહેતાં તુષાર ઉર્ફે ગાંડો ઉર્ફે બાપુડી જગદીશભાઈ ધાફડા (ઉ.18)ની ધરપકડ કરી તેની પાસેથી 30 હજાર રૂપિયા રોકડા અને મોટર સાઈકલ કબજે કર્યુ હતું. શ્રીજીવાટિકા સોસાયટીમાં ચોરી કરવા ઘુસેલા તુષારે દિવાલની વંડી ટપીને અંદર ઘુસી કબાટમાં રાખેલા રૂા.2 લાખની રોકડ ચોરી લીધી હતી. શાપર-વેરાવળ પોલીસે સીસીટીવી ફુટેજના આધારે 17 દિવસ બાદ આ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. તુષારની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
શાપર વેરાવળ પોલીસ મથકના પીઆઈ આર.બી.રાણા સાથે જયદીપસિંહ વાઘેલા, લગધીરસિંહ જાડેજા, અલ્પેશભાઈ ડામશીયા, દિવ્યેશભાઈ શામળા વિમલભાઈ વેકરીયા, જગદીશભાઈ ઝાલા, મનસુખભાઈ ચૌહાણે કામગીરી કરી હતી.