મેટોડાના કારખાનામાં રૂા.2.91 લાખની ચોરીનો ભેદ ખુલ્યો, કર્મચારી સહિત ત્રણ શખ્સોની ધરપકડ
ચોરીનો મુદ્દામાલ ખરીદનાર બે વેપારી સામે પણ ગુનો નોંધાયો
ગુજરાત મિરર, રાજકોટ,તા.17
મેટોડામાં આવેલા કારખાનામાં રૂા.2.91 લાખના પીત્તળની ચોરીનો બનાવ બન્યો હતો. આ ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં મેટોડા પોલીસે ઉકેલી નાખી કારખાનાના પૂર્વ કર્મચારી સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી તેમજ આ ચોરીમાં સંડોવાયેલ બે વેપારી સામે પણ પોલીસે ગુનો નોંધ્યો હતો.
મળતી વિગતો મુજબ, મેટાડામાં ગેઈટ નં.1માં ઓમનીટેક એન્જીનીયરીંગ લી. નામનું કારખાનું ધરાવતાં અને પુષ્ટિ હાઈટસમાં રહેતાં ભરતભાઈ કિશોરભાઈ ચૌહાણના કારખાનામાં ગત તા.11/10નાં રોજ કંપનીમાં અગાઉ કામ કરતાં સાગર ગોપાલ રામાવત અને તેની સાથેના બે શખ્સો કારખાનામાં ઘુસી કંપનીની ઈલેકટ્રીક કેઈન દ્વારા કંપનીમાં રો મટીરીયલ્સ વિભામાં રહેલ રૂા.2.9 લાખનું પીતળનું રો મટીરીયલ્સ ચોરી ગયા હતાં. જે મામલે મેટોડામાં પોલીસ ફરિયાદ નોંધાઈ હોય પીઆઈ એસ.એચ.શર્મા અને તેમની ટીમે તપાસ કરી આ ચોરીમાં સંડોવાયેલ મુળ જામખંભાળીયાના અને હાલ મેટોડા રહેતાં કંપનીના કર્મચારી સાગર ગોપાલ રામાવત, મેટોડાના ભીમા રામા ભરવાડ અને ચંદ્રપાર્કમાં રહેતાં મુળ સુરેન્દ્રનગરના ચુડાના અશ્ર્વિન સુરેશ પટેલની ધરપકડ કરી હતી.
આ ત્રણેયની પુછપરછમાં 2.91 લાખનું ચોરાઉ પિત્તળ રાજકોટનાં કણકોટના પાટીયા પાસે રહેતાં ભંગારનો ડેલો ચલાવતાં ભરત નાનજી મકવાણા અને રાવડી રહેતાં વિકલભાઈ ઈસરાઈલ મનીહારને વહેંચ્યું હોવાનું કબુલતાં આ બન્ને વેપારીઓ સામે પણ ગુનો નોંધી પોલીસે કાર્યવાહી કરી હતી. જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુજ્જરની સુચનાથી પીઆઈ એસ.એચ.શર્મા સાથે સ્ટાફના મયુરસિંહ, યોગીરાજસિંહ, રાજદીપસિંહ, રવુભાઈ તેમજ શક્તિસિંહએ કામગીરી કરી હતી.