ઘંટેશ્ર્વરમાં મકાનમાંથી થયેલી 1.80 લાખની ચોરીનો ભેદ ઉકલાયો, બે શખ્સો ઝડપાયા
ગાંધીગ્રામ પોલીસ મથકે અરજી કરવા ગયેલા મહિલાના બંધ મકાનમાંથી રૂૂા. 1.80 લાખની ચોરી થયાની ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જેના આધારે પોલીસે તપાસ આગળ ધપાવી ચોરી કરનાર બે તસ્કરોને ઝડપી લીધા હતા. ઘંટેશ્વર 25 વારિયામાં રહેતા સુમિત્રાબા દિલીપસિંહ રાઠોડ (ઉ.વ.41)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ગઈ તા. 14 માર્ચનાં રોજ પાડોશમાં રહેતા સંજય સોલંકી સાથે મારામારીનો બનાવ બનતાં મકાનને તાળુ મારી પરિવારજનો સાથે સિવિલ આવ્યા હતાં.સારવાર પૂર્ણ થયા બાદ ગાંધીગ્રામ પોલીસ મથકે અરજી આપવા ગયા હતા.જ્યાંથી સાંજે ઘરે જઈને જોયું તો મકાનના મુખ્ય દરવાજાનો નકૂચો તૂટેલો હતો.સામાન બધો અસ્તવ્યસ્ત પડ્યો હતો. કબાટનો દરવાજો ખુલ્લો જોવા મળ્યો હતો. તિજોરીમાંથી સોનાની કાનસર, સોનાનો દાણો, ચાંદીના સાંકળા, ચાંદીનો ઝૂડો, ચાંદીની લક્કી, સોનાની વીંટી, સોનાની બુટી સહિતના દાગીના ગાયબ હતા.મંદિરમાંથી રૂૂા.2200નું ચિલ્લર મળી કુલ રૂૂા. 1.80 લાખની મત્તાની ચોરી થઈ ગઈ હતી.
ગાંધીગ્રામ પોલીસ મથકના પીએસઆઇ એસ.બી.જાડેજાની રાહબરીમાં જમાદાર મશરીભાઈ ભેટારીયા, રવિભાઈ ગઢવી, મુકેશભાઈ સબાડ, સહદેવસિંહ જાડેજા અને કોન્સ્ટેબલ પ્રદિપભાઈ ડાંગરે ઘણાં સીસીટીવી કેમેરા જોઈ અને બાતમીદારોને કામે લગાડી આ ચોરીનો ભેદ ઉકેલી લઈ બે આરોપી ભરત મનજી સોલંકી (ઉ.વ.45) અને મહંમદ ઉર્ફે લાલો સતાર ચૌહાણ (ઉ.વ.25) (રહે. બંને ઘટેશ્વર 25 વારીયા કવાર્ટર)ને ઝડપી લીધા હતા. બંને આરોપીઓ પાસેથી મોટાભાગનો મુદ્દામાલ અને ચોરીમાં ઉપયોગમાં લીધેલ પકડ, ડિસમીશ અને હથોડી કબજે કર્યા હતા.આરોપી ભરત 2019ની સાલમાં મહિલા પોલીસમાં પોકસો અને દૂષ્કર્મના કેસમાં પકડાઈ ચુકયો છે. બીજો આરોપી મહંમદ મારામારી, દારૂૂ સહિતના 8 ગુનામાં પકડાઈ ચુકયો છે.