ઉંઝા ઉમિયા માતા મંદિર કમ્પાઉન્ડમાં 10 લાખના ઘરેણાંની ચોરીનો ભેદ ઉકેલાયો
ઊંઝાના ઉમિયા માતાજી મંદિરે દર્શન કરવા આવેલા એક દર્શનાર્થીના બેગમાંથી રૂૂપિયા 10 લાખના સોનાના દાગીનાની ચોરી થઈ છે. ભીડનો લાભ લઈને અજાણ્યો ચોર દાગીના લઈને ફરાર થઈ ગયો હતો. આ અંગે ઊંઝા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. હવે સોનાના દાગીનાની ચોરીનો ભેદ ઊંઝા પોલીસે ગણતરીના દિવસોમાં જ ઉકેલી નાખ્યો છે. પોલીસે ચોરીના ગુનામાં સંડોવાયેલી બે મહિલાઓની ધરપકડ કરી છે.
ઊંઝામાં પાટણ રોડ પર રહેતા મીનાબેન દીપકકુમાર પટેલના કુટુંબમાં લગ્ન પ્રસંગ હતો. તેઓ પતિ સાથે એક્ટિવા પર તેમની સાસુના ઘરેણાં લેવા આવ્યા હતા, જે ઊંઝા માર્કેટયાર્ડની બેંકના લોકરમાં રાખેલા હતા. બેંકમાંથી દાગીના લીધા બાદ મીનાબેને એક સ્ટીલના ડબ્બામાં મૂકીને બેગમાં રાખ્યા હતા. ત્યારબાદ તેઓ ઉમિયા માતાજીના દર્શન કરવા મંદિરે આવ્યા હતા. ગત 5 નવેમ્બર, 2025ના રોજ ઊંઝા ઊમિયા માતા મંદિરના કમ્પાઉન્ડમાં દર્શનાર્થીના બેગમાંથી સોનાના દાગીનાની ચોરી થઈ હતી. ચોરી થયેલા દાગીનાની કુલ કિંમત આશરે 10 લાખ જેટલી થવા જાય છે, જેમાં અંદાજે 10 તોલા સોનું સામેલ હતું. આ ઘટનાને પગલે મંદિર પરિસરમાં તેમજ વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.
ચોરીની ઘટના બાદ ઊંઝા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી મળેલી બાતમીના આધારે, ચોરી કરનારી બે મહિલાઓ ચોરીના દાગીના વેચવા માટે જઈ રહી હતી, ત્યારે તેમને કામલી રોડ પરથી ઝડપી લેવામાં આવી હતી. ઝડપાયેલી મહિલાઓ મા માયાબેન વા/ઓફ દલીપભાઇ (ઉ.વ. 30) તથા કાજલબેન વા/ઓફ અજયભાઇ હરીભાઇ (ઉ.વ. 22) નો સમાવેશ થાય છે ઊંઝા પોલીસે આ બન્ને મહિલાઓને ઝડપી પાડી તેમની પાસેથી ચોરીના દાગીના પણ કબજે કર્યા છે.