બોગસ હથિયાર લાયસન્સનો રેલો ‘કલાકારો’સુધી પહોંચ્યો
40 શખ્સોની ધરપકડ થતા ડાયરાના અનેક કલાકારો અને ભૂવા રાજકીય શરણે
મણીપુર અને નાગાલેન્ડથી મેળવેલા હથિયારના પરવાના બોગસ નીકળતા ધંધેલાગ્યા
ગુજરાતમાં પણ હવે ધીરે ધીરે ગન કલ્ચર પ્રસરી રહ્યું છે ત્યારે વટ દેખાડવા માટે ઘણા લોકોએ લાખો રૂૂપિયા આપી બોગસ હથિયાર લાઇસન્સ મેળવ્યાનો ઘટસ્ફોટ થયો છે. આ મામલે ATS દ્વારા 40થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે ત્યારે બોગસ લાઇસન્સના આધારે હથિયાર લેવામાં કેટલાક જાણીતા કલાકારો - ગાયકો અને ભૂવાઓ પણ બાકાત ન હોવાનું જાણવા મળી રહ્યું છે.
બીજી તરફ, પોલીસથી બચવા માટે હવે કલાકારોએ હવાતિયાં મારવાના શરૂૂ કર્યા છે. કેટલાક કલાકારો તો રાજકીય નેતાઓને પણ આ મામલે મળી આવ્યા પરંતુ રાજકારણી તરફથી ઢીલો રિસ્પોન્સ મળ્યો હોવાનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.
મણિપુર અને નાગાલેન્ડના 100થી વધુ બોગસ હથિયાર લાઇસન્સ બનાવવા મામલે તપાસ ચાલી રહી છે. આ મામલે અઝજએ 49 લોકો સામે ફરિયાદ નોંધી હતી અને 40 લોકોની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા છે. ધરપકડ કરાયેલા કેટલાક આરોપીઓએ ગુજરાતના જાણીતા ગાયક કલાકાર અને ભૂવા બની ગીતો ગાતા અને માતાજીની જાતર કરતા, ડાયરા કરતા કલાકારોએ પણ બોગસ હથિયારનો લાઇસન્સનો પરવાનો લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બામ્ભા નામના આરોપીએ કેટલાક જાણતા ગાયક કલાકારોને પણ વગ માટે હથિયારના લાઇસન્સ બનાવી આપ્યા હતા. જો કે, હથિયારના લાઇસન્સ બોગસ હોવાનું કલાકારો ન જાણતા હોવાથી તેમને હાલ રાહત મળી છે. પરંતુ આ તમામ કલાકારોનું લિસ્ટ પોલીસ પાસે પહોંચી ચૂક્યું છે. પોલીસે કેટલાક કલાકારો પાસેથી હથિયાર લાઈસન્સ અને હથિયાર જપ્ત કરી લીધા છે. પરંતુ તેઓ આ મામલે કંઇ જાણતા ન હોવાને કારણે તેમને પોલીસ સાક્ષી બનાવે તેવી પૂરેપૂરી શક્યતા સેવાઇ રહી છે.
હથિયાર લાઇસન્સ કૌભાંડ બહાર આવ્યા બાદ જાણીતા ડાયરો કરનાર અને ગાયક કલાકારો પણ ચોંકી ઊઠ્યા હતા. આ મામલે તેમની પણ ધરપકડ થવાની ભીતિ વચ્ચે તેઓ પોતાના આકા અને રાજકીય નેતાઓને મળી આ અંગે ભલામણ કરી ચૂક્યા છે ત્યારે હવે પોલીસ આ મામલે શું કરે છે તે જોવાનું રહ્યું. નોંધનીય છે કે, આ કેસમાં મુખ્ય આરોપીઓ તો ગણ્યાગાંઠ્યા છે. પરંતુ પોલીસે જેમની ધરપકડ કરી છે તેમાં મોટા ભાગના એવા આરોપી છે તેમને હથિયાર લાઈસન્સ બોગસ હોવાનું ખબર જ ન હતી. આમ છતા પોલીસે તેમને આરોપી તરીકે જ લીધા છે ત્યારે ગાયક કલાકારોને પોલીસ બચાવી સાક્ષી તરીકે દર્શાવશે તો કેસ લૂલો થવાની શક્યતા હોવાનું તજજ્ઞો જણાવી રહ્યાં છે.
રાજકારણીઓ પરિવારજનો અને તેમના ખાસ કહેવાતા માણસો પાસે પણ નાગાલેન્ડ અને મણિપુરના હથિયાર લાઇસન્સ હોવાના ખુલાસા થયા છે. પોલીસે આવા લાઇસન્સ જપ્ત કરીને તપાસ શરૂૂ કરી છે. જોકે લૂલો બચાવ કરવા માટે રાજકીય અગ્રણીઓ પોતાના સ્વજનો દ્વારા આ લાઇસન્સ સરન્ડર કરી દેવાની તૈયારીઓ કરી હોવાની વાતો પણ કરી રહ્યા છે. તટસ્થ તપાસ થાય તો ઘણી વિગતો ખૂલે તેવી સંભાવના છે. ઉલ્લેખનીય છે કે સ્પોર્ટસ એક્ટિવિટી સાથે સંકળાયેલા કેટલાક લોકો પાસે પણ મણિપુર નાગાલેન્ડના લાઇસન્સ હોવાનું જાણી શકાયું છે.
કમરે હથિયાર ભરાવીને વટ પાડતા ઘણાં લોકોએ આ કૌભાંડ સામે આવતાં હથિયાર છૂપાવી દીધા સમાજમાં વટ પડે તે મટે મણિપુર અને નાગાલેન્ડથી હથિયારો લાવેલા ચોક્કસ તત્ત્વો ગમે તેવા ધાર્મિક કે સામાજિક પ્રસંગમાં જાય ત્યારે કમર પર હથિયાર ભરાવીને વટ પાડતા હતા.
હવે જ્યારથી આ કૌભાંડ ખૂલ્યું છે ત્યારથી આ તમામ તત્ત્વોએ પોતાના હથિયાર છૂપાવી દીધા છે. તેમણે તપાસ એજન્સી અઝજના અધિકારીઓની લિંક શોધવાની શરૂૂઆત કરી દીધી છે.
દસ વર્ષ પહેલા પણ આવું જ કૌભાંડ ઝડપાયું હતું
ક્રાઇમ બ્રાન્ચે 8થી 10 વર્ષ પહેલાં પણ આવું મણિપુર અને નાગાલેન્ડના બોગસ હથિયાર લાઈસન્સ કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. આ મામલે કેટલાક વકીલો સહિતના લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ આ મામલે ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓ સામે ચાર્જશીટ રજૂ કરી દીધી છે અને તમામ સામે મેટ્રો કોર્ટ 11માં કેસ પડતર છે. જેમાં કેટલાક લોકો હાઇકોર્ટ સુધી ડિસ્ચાર્જ અરજી કરવા પહોંચ્યા છે.