રાજકોટના ભગવતીપરામાં વેપારીના મકાનમાંથી 18.95 લાખની ચોરી કરનાર સુરેન્દ્રનગરમાંથી ઝડપાયો
રાજકોટમાંથી રૂૂ.18.95 લાખની ચોરી કરનારને સુરેન્દ્રનગરમાંથી ઝડપી લેવાયો હતો. આ આરોપી સામે સુરેન્દ્રનગરમાં પણ અગાઉ 7 ગુના નોંધાયેલા હોવાનું ખૂલ્યું હતું. વઢવાણથી પકડાયેલ આરોપી પાસેથી 1 લાખનો મુદામાલ કબ્જે કરાયો હતો.
રાજકોટ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનની રૂૂ.18,95,400ના મુદ્દામાલની ચોરીના ગુનામા સંડોવાયેલ 1 ઇસમને એલસીબી દ્વારા વઢવાણ ખાતેથી ચોરીના મુદ્દામાલ સાથે પકડી પાડવામા આવ્યો હતો.
સુરેન્દ્રનગર જિલ્લા નાયબ પોલીસ મહાનિરિક્ષક દ્વારા ઘરફોડ ચોરી તથા વાહન ચોરીના ગુનામાં અવાર નવાર સંડોવાયેલ આરોપીઓનેે તાત્કાલિક પકડી લેવા સૂચના અપાતા એલસીબી પીઆઇ જે.જે. જાડેજા અને પીએસઆઈ જે.વાય. પઠાણ તથા પેરોલ ફર્લો સ્કોડના પીએસઆઈ આર.એચ. ઝાલા દ્વારા ટીમો બનાવી કાર્યવાહી શરૂૂ કરાઈ હતી.જેમા એલસીબી તથા પેરોલ ફર્લો સ્કોડ સ્ટાફને મળેલ બાતમીના આધારે રાજકોટ શહેર બી ડિવિઝનમાં થયેલ ચોરીના આરોપીને પકડવા માટે રાકેશભાઇ પેથાભાઇ જેઓ સુરેન્દ્રનગરમા દૂધરેજના વહાણવટી નગરમાં રહે છે તેમની શોધખોળ શરૂૂ કરી હતી.
વઢવાણથી આ આરોપીને ચોરીના મુદ્દામાલ પૈકી રોકડ 1 લાખ સાથે પકડી લીધા હતા. આ આરોપી રાકેશભાઇ પેથાભાઇ સરવૈયા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તેની સામે સુરેન્દ્રનગરમાં પણ અગાઉ 7 ગુના નોંધાયેલા હોવાનું ખૂલતા પોલીસે તેને ઝડપી વઢવાણ પોલીસ સ્ટેશને સોંપીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી તેમજ આરોપીને રાજકોટમા ભગવતીપરામા લાકડાના વેપારીને ત્યા ચોરી કરી હતી આ મામલે બી ડીવીઝનમા ફરીયાદ થઇ હતી હવે આરોપીને રાજકોટનાં બી ડીવીઝન પોલીસને સોપવામા આવશે.