આસારામના 400 વિરોધીઓને ઠેકાણે પાડી દેવાનો હતો ખોફનાક પ્લાન
રાજકોટમાં દસ વર્ષ પહેલાં યૌન શોષણના આરોપી કિશોર બોડકેની ક્રાઈમ બ્રાંચ સમક્ષ સ્ફોટક કબૂલાત
દેશભરમાં આસારામના વિરોધીઓને ‘પાઠ’ ભણાવવા બોડકે આણી મંડળીએ લિસ્ટ પણ બનાવ્યું હતું, એસિડ એટેકથી માંડી ફાયરીંગ સહિતની તૈયારી
દુષ્કર્મ કેસમાં જેલવાસ ભોગવી રહેલા આસારામની સામે પડેલા તેમના પૂર્વ સાધક અને દુષ્કર્મ કેસ ના સાક્ષી અમૃત પ્રજાપતિ વૈદ્યની રાજકોટમાં ગત તા 23/5/2014ના રોજ ફાયિંરગ કરીને થયેલી હત્યાના બનાવમાં છેલ્લા 10 વર્ષ થી વોન્ટેડ અમદાવાદ આસારામ આશ્રમના સેવક કિશોર બાલકૃષ્ણ બોડકે (ઉવ.37)ને રાજકોટ ક્રાઈમ બ્રાંચની ટીમે ગુપ્ત ઓપરેશન પાર પાડી જીવના જોખમે કર્ણાટકના કાલા બગુડીમાં આવેલ આશારામ આશ્રમ માંથી ઝડપી લીધો છે. અમૃત પ્રજાપતિ વૈદ્યની હત્યામાં આસારામના સાધકોની સંડોવણી ખુલી હતી. રાજકોટમાંવૈધ અમૃત પ્રજાપતિની હત્યા કરનાર શાર્પશૂટર કાર્તિક ઉર્ફે કાર્તિક બંગાળી ઉર્ફે રાજુ દુલાલચંદ હલદની ધરપકડ બાદ કિશોર બાલકૃષ્ણ બોડકેની સંડોવણી ખુલી હતી. જેમાં કિશોર બાલકૃષ્ણ બોડકેની રાજકોટ ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. હજુ આ કેસમાં 7 શખ્સો ફરાર છે. પકડાયેલ કિશોર બાલકૃષ્ણ બોડકનો અમદવાદ સીઆઇડી ક્રાઈમે કબજો લીધો છે.
પ્રાથમિક તપાસમાં ચોકાનારી હકીકત સામે આવી છે. કિશોર બાલકૃષ્ણ બોડકેએ ભારતમાં આસારામનો વિરોધ કરનાર 400 જેટલા વિરોધીઓની યાદી તૈયાર કરી હતી. અને ભારતમાં એક પછી એક વિરોધીઓની હત્યાનો પ્લાન પણ બનાવ્યો હતો. કિશોર બાલકૃષ્ણ બોડકની પુછપરછમાં ભારતમાં ફેલાયેલા આસારામના કટ્ટર સાધકોના મોટા ષડયંત્રનો પર્દાફાશ થઇ શકે છે.
દુષ્કર્મ કેસમાં આસારામની સામે પડેલા તેમના પૂર્વ સાધક અને કેસના મહત્વના સાક્ષી અમૃત પ્રજાપતિ ગત તા 23/05/2014ના રોજ રાજકોટમાં પોઇન્ટ બ્લેન્ક રેન્જથી ફાયિંરગ કરી હત્યા કરવામાં આવી હતી. રાજકોટના સંત કબીર રોડ પર આવેલી ઓમ શાંતિ આયુર્વેદિક હોસ્પિટલમાં દર્દીઓની સારવાર માટે આવેલ વૈદ્ય અમૃત પ્રજાપતિ પાસે બપોરે 1 વાગે એક વ્યક્તિ ઓમ શાંતિ આરોગ્ય ધામમાં દર્દીના સ્વાંગમાં આવ્યો હતો અને વૈદ્ય અમૃત પ્રજાપતિ હોસ્પિટલની બહાર નીકળતા હતા ત્યારે આ શખ્સે અમૃત પ્રજાપતિ ઉપર પોઇન્ટ બ્લેન્ક રેન્જથી ફાયિંરગ કર્યું હતું.
ફાયિંરગમાં અમૃત પ્રજાપતિને ગળામાં ગોળી ઘૂસી જતા ગંભીર ઇજા થઇ હતી. ભાગવાના પ્રયાસમાં હત્યારાની બે પિસ્તોલ અને એક મેગેઝિન અને 10 કાર્ટીસ સ્થળ પડી જતા તે સ્થળ ઉપરથી મળી આવ્યા હતા. અમૃત પ્રજાપતિને રાજકોટ અને બાદમાં અમદાવાદની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા બાદ અમદાવાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજતા બનાવ હત્યામાં પલટાયો હતો.આ બનાવ અંગે રાજકોટ બી-ડીવીઝન પોલીસમાં હત્યાનો ગુનો નોંધાયો હતો.
જીવલેણ હુમલામાં ઘવાયેલા પ્રજાપતિએ સારવાર વખતે ભાનમાં હતા ત્યારે મરણોન્મુખ નિવેદનની માં મેઘજીભાઇ પટેલ(કાંકરેજ,હાલ મા નગર, બરોડા આશ્રમ), કે.ડી.ઉર્ફે કાંતિલાલ ડી.પટેલ( ઇડર, સાબરકાંઠા, હાલ-એ-16, મહેનજીબા નગર ,મોટેરા), આસારામની જમીનનું કામકાજ સંભાળતા વિકાસ કૈલાસચંદ ખેમકા (રહે,સુરત) રામચંદ્ર ચંદીરામ ઠક્કર (ડીસા,હાલ મોટેરા, આશ્રમના ખરીદ વેચાણના ઇન્ચાર્જ), અજય રસિકલાલ શાહ (મનોરમાગંજ ઇન્દોર,હાલ મોટેરા આશ્રમ) અને કૌશિક પોપટ (નંદુબાર,મહારાષ્ટ્ર,હાલ હિસાબનીશ,મોટેરા આશ્રમ)ના નામ આપ્યા હતા. જોકે આ તમામની પુછપરછ બાદ આ હત્યા કેસમાં શાર્પશૂટર કાર્તિક ઉર્ફે કાર્તિક બંગાળી ઉર્ફે રાજુ દુલાલચંદ હલદરનું નામ ખુલ્યા બળ તેની ધરપકડ કરવામાં આવી હતી.
બન્ને શખ્સો અગાઉથી રાજકોટ આવી ગયો હતો અને રાજકોટ ખાતે આસારામ આશ્રમમાં રોકાયાનું સીઆઇડીની તપાસમાં બહાર આવ્યું હતું.આ કેસમાં કિશોર બાલકૃષ્ણ બોડકેનું નામ ખુલ્યું હતું જેણે અમૃત પ્રજાપતિની હત્યાની સોપારી આપી હતી.રાજકોટમાં આસારામના પૂર્વ સાધકની 10 વર્ષ પૂર્વની હત્યાનું કાવતરું રચનાર હત્યામાં સંડોવાયેલ મૂળ મહારાષ્ટ્રના સોલાપુરના વીડીઘરકુલ બ્રહ્મનાથનગરના વતની અને અમદાવાદ આશારામ આશ્રમ, મોઢેરા ખાતે રહેતા સેવક કિશોર બાલકૃષ્ણ બોડકે (ઉવ.37) કર્ણાટકના કાલા બગુડીમાં આવેલ આશારામ આશ્રમમાં છુપાયો હોવાની બાતમીને આધારે રાજકોટ ક્રાઈમ બ્રાંચના એ.એસ.આઇ.જલદિપસિહ વાઘેલા, હેડ કોન્સટેબલ સુભાષભાઇ ધોધારી, વિજયરાજસિંહ જાડેજા, સંજયભાઇ ખાખરીયાની ટીમે કર્ણાટકના કાલા બગુડીમાં આવેલ આશારામ આશ્રમમાં સેવક બની વેશપલ્ટો કરી પાંચ દિવસ સુધી વોચ રાખી સેવક કિશોર બાલકૃષ્ણ બોડકેને પકડી રાજકોટ લાવવામાં આવ્યો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી આસારામનો પરમ કટ્ટર સાધક હોવાનું જાણવા મળ્યું છે. પકડાયેલ કિશોર ભારતમાં આવેલ આસારામના અલગ-અલગ આશ્રમમાં ફરતો રહેતો હોવાનું અને સેવા આપતો હતો. કિશોર બોડકેએ આસારામના વિરોધીઓ ઉપર ખાસ વોચ રાખતો હતો. લોકો આસારામની વિરુદ્ધ બોલે તેમનું લિસ્ટ તૈયાર કરી તેમના ઉપર હુમલા કે તેની હત્યાનો પ્લાન કિશોર બનાવતો હતો હતો. પકડાયેલ કિશોર બોડકે હત્યા અને હત્યાની કોશિશ સહિત ગુનામાં સંડોવાયેલ હોવાનું સામે આવ્યું છે જેમાં સુરત ખાતે ઉમરા, અડાજણ અને ખાટોદર પોલીસ સ્ટેશનમાં અલગ-અલગ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો હોવાનું સામે આવ્યું છે. આરોપી કોશોરે સુરતમાં આસારામના એક વિરોધી ઉપર ભૂતકાળમાં એસિડ એટેક પણ કર્યો હતો.
કિશોર બોડકેએ ભારતમાં આસારામના 400 જેટલા વિરોધીઓની એક યાદી તૈયાર કરી હતી અને વિરોધીઓ ને સબક શીખડાવવા તેની હત્યા કે હુમલાનું ષડયંત્ર રચ્યું હતું. કિશોર સાથે અન્ય 7 સાધકો ફરાર હોય તેની ભાળ મેળવવા માટે હવે ગાંધીનગર સીઆઈડી ક્રાઈમની ટીમ કિશોરની વિશેષ પુછપરછ કરશે.
વોન્ટેડ આરોપીને પકડવા માટે પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા,અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગરીયા,ડીસીપી ક્રાઇમ ડો.પાર્થરાજસિંહ ગોહિલ,એસીપી કાઇમ ભરત બસીયાની સુચનાથી પી.આઈ એમ.આર.ગોંડલીયા,પી.આઈ એમ.એલ.ડામોર,પી.આઈ સી.એચ.જાદવના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ એ.એન.પરમાર પી.એસ.આઈ એમ.કે.મોવલીયાની ટીમે કામગીરી કરી હતી.
કિશોરની ધરપકડ બાદ પોલીસ ટીમે નોન સ્ટોપ 10 કલાકમાં 1200 કિલોમીટરનું અંતર કાપ્યું
કિશોરની ધરપકડ બાદ કર્ણાટકના કાલા બગુડીમાં આવેલ આસારામ આશ્રમમાં સાધકો રાજકોટ પોલીસ ઉપર હુમલો કરે તેવી દહેશતને પગલે ગુપ્ત ઓપરેશન ઘડવામાં આવ્યું હતું. વોન્ટેડ આરોપીને પકડવા રાજકોટ ક્રાઇમ બ્રાંચની ટીમે ગુપ્ત ઓપરેશન પાર પાડ્યું હતું. પી.એસ.આઈ એ.એન.પરમાર પી.એસ.આઈ એમ.કે.મોવલીયાની ટીમમાં ફરજ બજાવતા એએસઆઈ જલદીપસિંહ વાઘેલા, હેડ કોન્સ્ટેબલ સુભાષ ઘોઘારી, વિજયરાજસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ અર્જુન ડવ અને સંજય ખાખરીયા બે દિવસ પૂર્વે રાજકોટથી નીકળી 1200 કિલોમીટરનું અંતર કાપી કર્ણાટક સ્થિત કાલા બગુડા જિલ્લામાં આવેલ આસારામના આશ્રમ ખાતે પહોંચ્યા હતા. અહીંયા પહોંચી તેઓ પ્રથમ એક દિવસ સાધક બની દર્શન કર્યા હતા અને આરોપી ઉપર વોચ રાખવા શરૂૂ કરી હતી. એક દિવસની આશ્રમમાં રોકાયા બાદ આરોપી વિશે ભાળ મળી જતા તેને ઝડપી પાડવામાં આવ્યો હતો અને 10 કલાકમાં 1200 કિલોમીટરનું નોનસ્ટોપ અંતર કાપી કર્ણાટકથી પરત રાજકોટ આરોપીને લઇ પહોચ્યા હતા.