મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મુદ્દે આવારા તત્ત્વોની ધમકીથી ડરી જઈ પૂજારીની પત્નીએ ઝેરી દવા પી લીધી
ચોટીલાના હડિયાસરનો બનાવ: લક્ષ્મણજીની મુર્તિના ગઈકાલે સામૈયા કર્યા બાદ પરિણીતાએ આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર
ચોટીલાના હડિયાસર ગામે લક્ષ્મીજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ગઈકાલે મૂર્તિના સામૈયા કરવામાં આવ્યા હતા. જેમાં બોહળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા પરંતુ આવારા તત્વોની ધમકીથી ડરી જઇ પૂજારીની પત્નીએ ઝેરી દવા આપી લીધી હતી. પરિણીતાને ઝેરી અસર થતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ચોટીલા તાલુકાના હડીયાસર ગામે રહેતી ગીતાબેન બાલકદાસ ગોંડલીયા નામની 38 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી. ત્યારે રાત્રીના દસેક વાગ્યાના અરસામાં ઝેરી દવા પી લીધી હતી. પરિણીતાને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે ચોટીલા પોલીસને જાણ કરતાં ચોટીલા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.
પ્રાથમિક પૂછપરછમાં ગીતાબેન ગોંડલીયાને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. ગીતાબેન ગોંડલીયાના પતિ બાલકદાસ ગોંડલીયા ગામમાં આવેલા રામજી મંદિરમાં સેવા પૂજા કરે છે. મંદિરમાં લક્ષ્મણજીની મૂર્તિ ખંડિત થઈ જતા નવી મૂર્તિ લીધી હતી અને આગામી તા.7 મીના રોજ પ્રાણપ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગઈકાલે મૂર્તિના સામૈયા હતા. તેમાં બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. પરંતુ અમુક લોકોને લક્ષ્મણજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા અંગે ન ગમતા આવારા તત્વોએ આપેલી ધમકીથી ડરી જઇ ગીતાબેન ગોંડલીયાએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ચોટીલા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.