કળિયુગી પુત્ર-પુત્રવધૂના ત્રાસથી વુદ્ધાએ ઝેરી ટીકડા ખાધા
મિલકત બાબતે બે વર્ષથી ત્રાસ આપે છે : આજે ઝઘડો કરી તેમને અને પતિને માર મારતા ભરેલુ પગલું : સારવારમાં
માતા-પિતાને ભગવાન સમાન માનવામાં આવે છે. જોકે આજના કળિયુગમાં પૈસા અને મિલકત માટે સંતાનો માતા-પિતાને સાચવવાના બદલે તેમની મિલકત પડાવી લેવા કાવાદાવા રચતા હોય છે. ત્યારે આવો જ એક વધુ બનાવ સામે આવ્યો છે. થોરાળા વિસ્તારમાં રહેતા વૃદ્ધ દંપતિને કળિયુગી પુત્ર-પુત્રવધુ છેલ્લા બે વર્ષથી મિલકત બાબતે ત્રાસ આપતા હોય અને આજે ઝઘડો કરી દંપતિને માર મારતા વુદ્ધાએ ઝેરી ટીકડા પી આપઘાતનો પ્રયાસ કરી લેતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
જાણવા મળતી વિગત મુજબ નવા થોરાળા શેરી નં.2માં રહેતા શાંતાબેન વલ્લભભાઇ ફુલેરીયા (ઉ.વ.60)નામના વૃદ્ધા આજે સવારે પોતાના ઘરે હતા ત્યારે ધઉંમા નાખવાના ટીકડા પી આપઘાતનો પ્રયાસ કરી લેતે તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી થોરાળા પોલીસને જાણ કરી હતી.
પ્રાથમિક તપાસમાં વૃદ્ધાને સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી છે. તેઓ પતિ સાથે ઘરે લાઇટ બનાવવાનું કામ કરે છે. તેમનો પુત્ર લાલો અને પુત્રવધુ અસ્મિતા તેમનાથી અલગ રહે છે. છેલ્લા બે વર્ષથી પુત્ર અને પુત્રવધુ મિલકત બાબતે ઝઘડો કરી ત્રાસ આપતા હોય. બે વર્ષ પહેલા તેમના પતિ વલ્લભભાઇ પુત્રને લઇ બેંકમાં રૂા.5 લાખ મુકવા ગયા હતા. ત્યારે પણ પુત્રએ મારાખાતામાં પૈસા કેમ ન મૂકયા? તેમ કહી ઝઘડો કર્યો હતો.
ત્યારથી અવાર નવાર પુત્ર અને પુત્રવધુ ઝઘડો કરતા હોવાનુ વુદ્ધ દંપતિએ જણાવ્યુ હતુ અને વધુમાં વલ્લભભાઇએ જણાવેલુ કે પુત્ર અને પુત્રવધુ ધરાઇને ધાન ખાવા દેતા નથી. દરમિયાન આજે સવારે લાલો અને તેની પત્ની અસ્મિતાએ ઝઘડો કરી વુદ્ધ દંપતિને મારમાર્યો હોય જેથી લાગી આવતા શાંતાબેને આ પગલું ભરી લીધું હતું. હોસ્પિટલના બીછાનેથી વુદ્ધ દંપતિએ આક્રોશ સાથે જણાવેલુ કે, અગાઉ પુત્ર અને પુત્રવધુ હેરાન કરતા હોવાની પોલીસમાં ફરિયાદ કરી હોવા છતા પોલીસ કોઇ પગલા લેતી ન હોવાનુ વસવસો વ્યકત કર્યો હતો.