જામગઢના યુવાનની હત્યાનો ભેદ ઉકેલાયો, ફરિયાદી ભાઇ જ આરોપી નીકળ્યો
નશાખોર ભાઇ માતા-પિતાને મારકૂટ કરતો હોવાથી મોટાભાઇએ જ ઢીમ ઢાળી દીધુ હતું
ક્રાઇમ બ્રાન્ચને શંકા જતા ફરિયાદીની પાંચ દિવસ સઘન પૂછપરછ કરતા ભાંડો ફુટયો: આરોપીની ધરપકડ
રાજકોટના જામગઢમાં એક સપ્તાહ પૂર્વે વાડીએ સુતેલા યુવાનની કોઈ અજાણ્યા શખસોએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હોવાથી કુવાડવા રોડ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.દરમ્યાન આ બનાવમાં ક્રાઈમ બ્રાન્ચે ઝંપલાવી અનેક લોકોની પુછપરછ કરી મૃતકના મોટાભાઈને સકંજામાં લઈ આકરી ઢબે પુછતાછ કરતા હત્યાના કેસમાં ફરિયાદી જ આરોપી નીકળ્યો હતો. પોતે જ નાનાભાઈને મોતને ઘાટ ઉતારી દઈ ખોટી સ્ટોરી ઘડી પોલીસને ગેરમાર્ગે દોરી પણ ક્રાઈમ બ્રાન્ચે ભેદ ઉકેલી નાખ્યો છે.
વધુ વિગતો મુજબ,જામગઢ ગામે રહેતા અને ખેતીવાડી કરતા વિનુભાઈ ઉર્ફે વિનો વેલાભાઈ વાવડીયાએ કુવાડવા રોડ પોલીસમાં અજાણ્યા સામે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે અમો ચાર ભાઈ-બહેન છીએ. જેમાં નાનો મુકેશ વેલાભાઈ વાવડીયા (ઉ.33) હતો.પરિવાર સાથે જમી મુકેશ બહાર ગયો હતો.અને રાત્રીના વાડીએ સુવા જતો રહે છે. હું પણ જમીને ગામમાં પાનની કેબીને બીડી લેવા ગયો હતો.અને થોડીવાર ત્યાં બેસી પરત ઘરે આવી સુઈ ગયેલ હતો વહેલી સવારે 6 વાગ્યે ચા-પાણી પી ગાયને દોહી સવારે 7 વાગ્યે ઘરેથી વાડીએ ગયેલ ત્યારે ભાઈ મુકેશ વાડીએ ખાટલા ઉપર લોહી લુહાણ હાલતમાં પડેલ તેને મોઢે-આંખે અને કપાળના ભાગે તીક્ષણ હથિયારના ઘા ઝીંક્યા હોવાના નિશાન જોવા મળ્યા હતા.જેથી પત્નિને વાત કરી ધનજીભાઈને વાડીએ આવવાનું કહેતા તેઓ આવી ગયેલ બાદ મે મારા ફોનમાંથી પોલીસ અને 108ને જાણ કરતા ઈએમટી સહિતનો સ્ટાફ દોડી ભાઈ મુકેશને તપાસી મૃત જાહેર કર્યો હતો.જેથી પોલીસે મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિ.માં ખસેડયો હતો.આમ કોઈ અજાણ્યા શખસોએ નાનોભાઈ વાડીએ સુતો હતો ત્યારે તીક્ષણ હથિયારના ઘા ઝીંકી હત્યા નિપજાવ્યા હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો હતો.
દરમ્યાન આ તપાસમાં ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ ગોંડલીયા, એમ. એલ. ડામોર અને સી.એચ.જાદવની રાહબરીમાં પીએસઆઈ એમ.કે. મોવલીયા અને વી.ડી. ડોડીયા, વિજયરાજસિંહ જાડેજા, સંજયભાઈ ખાખરીયા, જયદેવસિંહ પરમાર, દિલીપભાઈ બોરીચા અને પ્રદિપસિંહ જાડેજા સહિતની ટીમે પણ ઝંપલાવતા ફરિયાદી જ હત્યારો હોવાનું ખુલતાં મોટાભાઈને સકંજામાં લઈ આકરી ઢબે પુછતાછ કરતા મૃતક મુકેશ દારૂૂ પીવાની કુટેવ ધરાવતો હોવાથી અવાર-નવાર ઘરમાં દારૂૂ પી આવી ઘમાલ મચાવતો અને મા-બાપને મારકુટ કરતો હોવાથી મોટાભાઈએ જ મૃતક વાડીએ સુવા ગયો ત્યારે પાછળથી જઈ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી કાંટો કાઢી હતો.પોતાના પર કોઈ શંકા ન કરે તે માટે ભાઈનું વાડીએ ઢીમ ઢાળી દઈ પરત ઘર આવી સુઈ ગયો હતો.પરંતુ ક્રાઈમબ્રાંચના સ્ટાફે મોટાભાઈ વિનુ ઉર્ફે વિનો વેલાભાઈ વાવડીયાની ધરપકડ કરી હત્યાનો એક સપ્તાહ બાદ ભેદ ઉકેલી નાખ્યો છે.
હત્યા બાદ પોલીસને ગેરમાર્ગે દોરવા આરોપીએ ખોટી સ્ટોરી ઘડી હતી
હત્યા બાદ બીજા દિવસે વ્હેલી સવારે વીનુ વાવડીયા વાડીએ જઈ પત્નીને ફોન લગાડી વાત કરીને તેના સગાને વાડીએ બોલાવી ખોટી સ્ટોરી ઘડી પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો આ ઘટનામા મૃતકનાં મોટાભાઇ વીનુની પોલીસે પુછપરછ કરી હતી કેમ કે તેમણે સૌ પ્રથમ ભાઇનો મૃતદેહ જોયો હોય ત્યારે તેમણે ખોટી સ્ટોરી ઘડવાનુ શરૂ કર્યુ હતુ અને વીનુએ પોલીસને કહયુ કે તેમનાં ભાઇને કોઇની સાથે દુશમનાવટ છે અને એક મહીલા સાથે સબંધ પણ છે . જો કે આ વાત પોલીસને ગળે ઉતરતી નહોતી અને પોલીસે ઘરનાં જ ઘાતકી હોવાની શંકા જતા શકમંદ ગણાતા વીનુને ઉઠાવી પોલીસે પાંચ દીવસ પુછપરછ કરી પોલીસે આ ઘટનામાં દૂધનું દૂધ પાણીનું પાણી કરી નાખ્યું હતું.