રાજકોટના શખ્સ અને સ્વામીએ 3.22 કરોડની રોકડી કરી લીધી
કચ્છના રેવા ગામમાં મંદિર બનાવવા જમીન ખરીદવાના નામે આણંદના વેપારીને શીશામાં ઉતારી ઠગાઇનો ફુલપ્રુફ પ્લાન પાર પાડ્યો
આણંદના બિલ્ડર અને તેના ભાગીદારોને કચ્છના રેવા ગામની 160 એકર જમીનમાં રોકાણ કરી નાણા કમાવવાની લાલચ આપી ચિખોદરાના વડતાલ સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામી અને રાજકોટના શખ્સે રૂૂ.3.22 કરોડની છેતરપિંડી આચરી હોવાની આણંદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે બંને શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આણંદના જીગરકુમાર સુરેશભાઈ પટેલ ભાગીદારો સાથે મળી ક્ધસ્ટ્રક્શન તથા જમીન ડેવલોપીંગનું કામકાજ કરે છે. જૂન-2020માં આણંદમાં રહેતા મનીષ લક્ષ્મણભાઈ ઠક્કરે તેમને જમીનમાં ઈન્વેસ્ટ કરવું હોય તો સ્વામીજીનો સંપર્ક કરાવું તેમ કહ્યું હતું અને ત્રણેક દિવસ બાદ બે સ્વામી સાથે મનીષભાઈ જીગરભાઈની ઓફિસે ગયા હતા.
જ્યાં વડતાલ સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામી દર્શનપ્રિયદાસે જીગરભાઈને અમારે મોટુ મંદિર બનાવવું છે. તમારી પાસે કોઈ સારી જગ્યા હોય તો બતાવો તથા તમારે કોઈ બીજી સારી જગ્યાએ રોકાણ કરવું હોય તો પણ કરી શકો છો. અમે પાછળથી તમને પુરતા નાણાં આપી જગ્યા તમારી પાસેથી લઈ લઈશું તેવી વાત કરી હતી. જુન-2020ના અંતમાં સ્વામી દર્શનપ્રિયદાસ, મનીષ અને ડાકોરના દલાલ જે.કી. રામી દ્વારા ઠાસરા તાલુકાના સુઈ ગામની જમીન બતાવી હતી.
ત્યારબાદ કચ્છના અબડાસા તાલુકામાં પણ એક જમીન આવેલી છે. આ બે જગ્યામાંથી કોઈ એક જગ્યા મંદિર બનાવવા માટે અનુકુળ છે, તેમ જણાવ્યું હતું. ત્યારબાદ કચ્છની જમીન મંદિર બનાવવા માટે વધુ અનુકુળ હોવાનું જણાવી તે જમીન લેવાનું નક્કી થયું હતું. જેથી જીગરભાઈ, સ્વામી દર્શનપ્રિયદાસ અને વિક્રમસિંહ હિંમતસિંહ ડાભી અબડાસાના રેવા ગામે પહોંચ્યા હતા. જ્યાં વિક્રમસિંહે જમીન બતાવી વેચાણની વાત કરી જમીનના દસ્તાવેજી પુરાવા બતાવ્યા હતા.
પરત ફરતી વખતે રસ્તામાં સ્વામી દર્શનપ્રિયદાસે જીગરભાઈને આ જમીન સ્વામી માધવપ્રિયદાસ અને તેમની સંસ્થા મોટુ મંદિર બનાવવા માંગે છે. જો તમારે આ જમીનમાં રોકાણ કરવું હોય તો જમીન માલિક વિક્રમસિંહને આણંદ બોલાવી વધુ વાતચીત કરીએ તેમ કહ્યું હતું. જેથી જીગરભાઈએ હા પાડતા બે-ત્રણ દિવસ બાદ સ્વામી દર્શનપ્રિયદાસ અને વિક્રમસિંહ જીગરભાઈની ઓફિસે ગયા હતા અને ચર્ચાને અંતે એક એકરનો ભાવ રૂૂ.7.11 લાખ નક્કી કરી 160.47 એકર જમીન ખરીદવાનું નક્કી કર્યું હતું.
બાદમાં સુરત ખાતે રહેતા વિવેકસાગરદાસ અને દર્શનપ્રિયદાસને મળી રેવા ગામની જમીન રાખવાનું નક્કી કરી એક એકરનો ભાવ રૂૂા.11.43 લાખ નક્કી કરાયો હતો. ત્યારબાદ ભાગીદારો સાથે વાતચીત કર્યા બાદ જમીન વેચાણ આપવાનું નક્કી કરી સ્વામી માધવપ્રિયદાસે રૂૂા.5 લાખ અને 1 રૂૂપિયો ટોકન પેટે આપ્યો હતો અને ચાર મહિનામાં પેમેન્ટ પુરુ કરવાનું નક્કી થયું હતું.
તા.20-8-2020ના રોજ વિક્રમસિંહ જીગરભાઈની ઓફિસે આવ્યા હતા અને જમીન વેચાણનું નોટરી લખાણ કરી રૂૂા.1.51 કરોડ રોકડા આપ્યા હતા. જ્યારે બાકીના રૂૂા.10-10 લાખના દસ ચેકો જીગરભાઈએ લખી આપ્યા હતા. ત્યારબાદ જુનાગઢ સ્વામિનારાયણ મંદિરે જઈ દર્શનપ્રિયદાસ અને કોઠારી સ્વામી વિવેકસાગરદાસને મળ્યા હતા.
જ્યાં ઉક્ત જમીન ખરીદી કરવા અંગે તેમણે રૂૂા.70 જીગરભાઈને આપ્યા હતા અને બાકીના નાણાં બે-ત્રણ દિવસમાં આણંદ આવીને આપી જઈશું તેવી વાત કરી હતી. જીગરભાઈને જમીનના પુરતા પૈસા મળ્યા ન હોવાથી તેમણે વિક્રમભાઈને ચેકો નહી ભરવા જણાવ્યું હોવા છતાં તેણે ચેક ભરી રીટર્ન કરાવી રૂૂા.80 લાખ ભાગીદારો પાસેથી લઈ લીધા હતા અને આમ કુલ 3.78 કરોડ રૂૂપિયા ચુકવી આપ્યા હતા જેમાંથી રૂૂા.75 લાખ મળ્યા હતા.
તે પૈકી સર્ટી મંગાવવા માટે રૂૂા.19.70 લાખનો ખર્ચ થયો હતો. જેથી બાકીના રૂૂા.3,22,70,000ની છેતરપીંડી થઈ હોવા અંગે જીગરભાઈ સુરેશભાઈ પટેલે આણંદ શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વિક્રમસિંહ હિંમતસિંહ ડાભી (રહે.રાજકોટ) અને સ્વામી દર્શનપ્રિયદાસ (રહે.ચિખોદરા) વિરૂૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.