સરધારના પૂર્વ સરપંચનો હત્યારો મધ્યપ્રદેશથી ઝડપાયો
હત્યા કરી ભાગેલા શખસના લોકેશનના આધારે પોલીસે દબોચ્યો, હત્યા પાછળ સ્ત્રી પાત્ર કારણભૂત હોવાની શકયતા
રાજકોટની ભાગોળે સરધાર ગામે વાડીએ સુતેલા પુર્વ સરપંચની હત્યાનાં બનાવમા આજીડેમ પોલીસે હત્યા કરી ભાગી છુટેલા વાડી મજુરને લોકેશનનાં આધારે મધ્યપ્રદેશ બોર્ડરેથી ઝડપી લીધો હતો. આ હત્યામા સ્ત્રી પાત્ર કારણભુત હોવાની શંકા વ્યકત કરવામા આવી રહી છે. જેના આધારે આજીડેમ પોલીસ આગળની તપાસ કરશે.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટનાં સરધાર ગામે રહેતા અને સરધાર ગ્રામ પંચાયતનાં પુર્વ ઉપ સરપંચ હરેશભાઈ મોહનભાઈ સાવલીયા નામનાં પર વર્ષનાં આધેડ સરધારમા ગોંડલ રોડ પર આવેલી પોતાની વાડીએ સુતા હતા ત્યારે છાતીનાં ભાગે ત્રીકમનો ઘા ઝીકી ક્રુર હત્યા કરી હતી. સવાર પડતાની સાથે જ પુર્વ ઉપ સરપંચની હરેશભાઇ સાવલીયાની લાશ વાડીએ પડી હોવાની જાણ થતા રાજકોટ આજીડેમ પોલીસ મથકનાં પીઆઈ એ.બી. જાડેજા, પીએસઆઇ જે. જી. રાણા સહીતનાં અધિકારીઓ અને તાલુકા પંચાયતનાં સદસ્ય ચેતનભાઈ પાણ સહીતનાં ઘટના સ્થળે દોડી ગયા હતા. પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી હતી .
પ્રાથમીક તપાસમા મૃતક હરેશભાઈ સાવલીયા સરધાર ગ્રામ પંચાયતનાં પૂર્વ ઉપ સરપંચ હતા. અને તેમને સંતાનમા બે પુત્ર નિકુંજ અને જેનીશ જે રાજકોટ ખાતે રહે છે. પુર્વ સરપંચ હરેશભાઈ સાવલીયા 3 ભાઈ બે બહેનમા મોટા હતા.
હરેશભાઈની વાડીએ ભાગ્યે રાખતા મધ્યપ્રદેશના દિનેશભાઈ બથવાર દશેક દિવસ પહેલા પરિવાર સાથે વતનમાં ગયા હતા અને છેલ્લા 15 દિવસથી ઉજ્જૈનનો મનોજ નામનો શખ્સ વાડીએ કામ કરવા આવ્યો હતો. ભાગ્યા વતનમાં જતાં હરેશભાઈ વાડીનું ધ્યાન રાખવા માટે રાત્રે સુવા જતાં હતાં. ઘટનાની રાત્રે હરેશભાઈ સાવલીયા અને મજુર મનોજ બંને જ વાડીએ હતા. હરેશભાઈની હત્યા બાદ રાજસ્થાની મજુર મનોજ ગાયબ થઈ જતા પોલીસે શંકાનાં આધારે મનોજને ફોન કર્યા હતાં પરંતુ તેને ફોન રિસીવ કર્યા ન હતાં અને બાદમાં તેના ફોન સ્વીચઓફ આવતો હતો.
મજુર મનોજનું લોકેશન ચેક કરતા લોકેશન અમદાવાદ અને મધ્યપ્રદેશ ખાતે હોવાનુ જાણવા મળ્યા બાદ રાજકોટ પોલીસની ટીમ મનોજની પાછળ હતી. અને મધ્યપ્રદેશ બોર્ડરેથી તેને ઝડપી લેવામા સફળતા મળી હતી. તેને લઇ રાજકોટ પોલીસ પરત આવવા રવાના થઇ છે. આ હત્યામા સ્ત્રી પાત્ર કારણભુત હોવાનુ હાલ માનવામા આવી રહયુ છે. અને તે દીશામા આગળની તપાસ શરૂ કરાઇ છે .